યુનાઈટેડ નેશન્સ (UN) ખાતે ભારતે Organisation of Islamic Cooperation (OIC) ની ઝાટકણી કાઢી છે. લોકસભા સાંસદ બિપ્લબ કુમાર દેબે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાના સરહદ પારના જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની સિક્સથ કમિટીની બેઠક દરમિયાન ભારતે OIC ના વલણનો મજબૂત વિરોધ કર્યો હતો. ભારતીય પ્રતિનિધિ અને લોકસભા સાંસદ બિપ્લબ કુમાર દેબે સંગઠન પર આક્ષેપ કર્યો કે તેઓ આતંકવાદના પીડિતો અને આતંકને પ્રોત્સાહન આપતા દેશો વચ્ચેનો ભેદ પારખવામાં નિષ્ફળ રહ્યા છે.
સરહદ પારના જોખમો સામે ભારતનું સ્ટેન્ડ
ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશની સુરક્ષા અને અખંડિતતાની રક્ષા કરવી એ ભારતનો સાર્વભૌમ અધિકાર છે. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય આતંકી માળખા સામેની ભારતની કાર્યવાહીનું સમર્થન કરતા સરકારે જણાવ્યું હતું કે, આતંકવાદી જૂથોને મળતું રાજ્ય-પ્રાયોજિત સમર્થન પ્રાદેશિક સ્થિરતા માટે મોટો ખતરો છે. આ દરમિયાન 2025 ના પહેલગામ આતંકી હુમલાનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
CCIT માટે ભારતની લાંબી માંગ
આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને ડામવા માટે ભારતે Comprehensive Convention on International Terrorism (CCIT) ને વહેલી તકે લાગુ કરવાની માંગ દોહરાવી છે. ભારત વર્ષ 1996 થી આ સંધિ માટે પ્રયત્નશીલ છે. આજના બદલાતા યુગમાં, જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે થઈ રહ્યો છે, ત્યારે હાલના આંતરરાષ્ટ્રીય કાયદાઓ અપૂરતા હોવાનું ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું. રોકાણકારો માટે ભલે આ સીધી માર્કેટ ન્યૂઝ ન હોય, પરંતુ લાંબા ગાળાની ભૌગોલિક રાજકીય સ્થિરતા દેશના આર્થિક વિકાસ માટે અત્યંત મહત્ત્વની છે.
