અમેરિકાના ફેડરલ સત્તાવાળાઓએ કેલિફોર્નિયાની નવેમ્બર ૨૦૨૪ની ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે મતદાન કરવા બદલ ૨ ભારતીય નાગરિકો સહિત ૨૮ ગ્રીન કાર્ડ ધારકો સામે ગુનો દાખલ કર્યો છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) દ્વારા કેલિફોર્નિયામાં બિન-નાગરિકોના મતદાનને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં ૩૦ વર્ષના અમનદીપ કૌર અને ૬૭ વર્ષના કમલેશ શાહનું નામ સામે આવ્યું છે, જેઓ એ ૨૮ કાયમી રહેવાસીઓમાં સામેલ છે જેમણે નવેમ્બર ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે મતદાન કર્યું હતું.
શું છે 'ઓપરેશન પ્રોટેક્ટ ધ વોટ'?
આ ધરપકડ 'ઓપરેશન પ્રોટેક્ટ ધ વોટ' નામના એક વ્યાપક તપાસ અભિયાનનો હિસ્સો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ મતદાર નોંધણીમાં છેતરપિંડી કરી હતી અને નેચરલાઈઝેશન અરજીઓમાં ખોટી માહિતી આપી હતી. ફેડરલ કાયદા મુજબ, આ ગંભીર ગુનાઓ માટે દોષિત સાબિત થનારને ૫ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
કડક તપાસનું કારણ
ફેડરલ સત્તાવાળાઓએ લગભગ ૨૦,૦૦૦ શંકાસ્પદ બિન-નાગરિક મતદારોની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને સમગ્ર વર્ષ દરમિયાન ચૂંટણી સંબંધિત ઉલ્લંઘનના આશરે ૯૦ કેસ નોંધાયા છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારકો માટે આ એક ચેતવણી સમાન છે, કારણ કે આવા નિયમોના ભંગથી ભવિષ્યમાં નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા પણ જોખમમાં મુકાઈ શકે છે.
