Ministry of Ports, Shipping, and Waterways એ વિદેશી જહાજો પરના પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. વર્ષ 2018 ની પોલિસીને અનિશ્ચિત સમય માટે લંબાવતા હવે સ્થાનિક કંપનીઓએ ફરીથી વિદેશી સ્પર્ધાનો સામનો કરવો પડશે.
પોલિસીમાં ફેરફારનું કારણ
Ministry of Ports, Shipping, and Waterways એ જાન્યુઆરી અને માર્ચ 2026 ના નિર્દેશોને રદ કરી, 2018 ની રિલેક્સેશન પોલિસી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવાનો અને ઓપરેશનલ સ્થિરતા જાળવવાનો છે.
ડોમેસ્ટિક કંપનીઓ સામે મોટો પડકાર
સ્થાનિક શિપિંગ કંપનીઓને અપેક્ષા હતી કે સરકાર રક્ષણાત્મક પગલાં ભરશે, પરંતુ આ નિર્ણયે તેમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. હકીકત એ છે કે ભારતીય ધ્વજ હેઠળ જહાજ ચલાવવું એ વિદેશી જહાજોની તુલનામાં 16% થી 20% સુધી મોંઘું પડે છે. આ વધારાના ટેક્સ, મેન્ટેનન્સ ખર્ચ અને કેપિટલ એક્સપેન્સને કારણે સ્થાનિક કંપનીઓ વૈશ્વિક પ્લેયર્સની સામે કિંમતોમાં ટકી શકતી નથી. આ સ્થિતિ લાંબા ગાળે કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ જાળવી રાખશે.
$75 બિલિયનનું આર્થિક ભારણ ઘટાડવા મથામણ
ભારત દર વર્ષે વિદેશી શિપિંગ લાઈન્સને અંદાજે $75 બિલિયન જેટલું ભાડું ચૂકવે છે. આ આર્થિક બોજ ઘટાડવા માટે સરકારે આગામી પાંચ વર્ષમાં ભારતીય મર્ચન્ટ ફ્લીટમાં 100 નવા જહાજો ઉમેરવાની યોજના બનાવી છે. હવે રોકાણકારોની નજર આ પ્રોજેક્ટની પ્રગતિ અને સરકાર દ્વારા ટેક્સ તથા લાયસન્સિંગ માળખામાં કરવામાં આવતા ફેરફારો પર રહેશે.
