દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ની ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબુકમાં ઈમરજન્સી લેન્ડ કરવી પડી હતી. ફ્લાઈટના કોકપિટમાં પાયલોટો વચ્ચે થયેલા ઝઘડા બાદ ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છરે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
દુબઈથી તેલ અવીવ જતી Flydubai ની ફ્લાઈટ FZ1073 માં મધ્ય હવામાં ગંભીર ઘટના બની હતી. મુસાફરીના લગભગ 2 કલાક બાદ કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના સહ-પાયલોટ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી અને ત્યારબાદ મારામારી થઈ હતી. આ ઘટના સમયે વિમાનમાં 174 મુસાફરો સવાર હતા.\n\nBoeing 737 MAX 8 વિમાનને 34,000 ફૂટની ઊંચાઈએથી તાત્કાલિક નીચે ઉતારીને 16,000 ફૂટ પર લાવવામાં આવ્યું હતું. પાયલોટોએ ઈમરજન્સી કોડ 7700 અને 7500 ટ્રાન્સમિટ કર્યા હતા, જેમાં '7500' કોડ ગેરકાયદેસર દખલ અથવા સુરક્ષા જોખમ સૂચવે છે. આ સિગ્નલ મળતા જ વિસ્તારમાં ફાઈટર જેટ્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા.\n\nકેપ્ટન સ્મિત મચ્છર, જે અગાઉ SpiceJet સાથે જોડાયેલા હતા, તેમને આ મારામારીમાં ઈજાઓ પહોંચી હતી. તેમ છતાં, તેમણે વિમાન પર નિયંત્રણ જાળવી રાખીને તેને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત ઉતાર્યું હતું. હાલમાં બંને પાયલોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. Flydubai એ સ્પષ્ટતા કરી છે કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.\n\nસાઉદી અરેબિયા અને ઈઝરાયેલના ઉડ્ડયન સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. વિમાન (રજિસ્ટ્રેશન A6-FKF) હાલમાં તબુકમાં ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ એરલાઈન ઉદ્યોગમાં પાયલોટ વેટીંગ, માનસિક સ્વાસ્થ્ય અને કોકપિટ સુરક્ષા પ્રોટોકોલ અંગે ફરી ચર્ચાઓ જગાવી છે.
