કેન્દ્રીય કેબિનેટે Integrated Transport & Logistics Authority (ITLA) ની રચનાને મંજૂરી આપી છે. આ નવી સંસ્થાનો મુખ્ય હેતુ રોડ, રેલ અને એવિએશન સેક્ટરમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગને વધુ વ્યવસ્થિત બનાવવાનો છે.
કેન્દ્રીય કેબિનેટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ પ્લાનિંગને વધુ સુદ્રઢ બનાવવા માટે Integrated Transport & Logistics Authority (ITLA) ની સ્થાપના કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી અલગ-અલગ મંત્રાલયો પોતાના સ્તરે કામ કરતા હોવાથી મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીમાં અવરોધો આવતા હતા, જે સમસ્યાને આ નવી સંસ્થા દ્વારા દૂર કરવામાં આવશે.
SPV તરીકે કામ કરશે ITLA
ITLA એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (SPV) તરીકે કામ કરશે. તે રોડ, રેલવે, પોર્ટ્સ, શિપિંગ અને સિવિલ એવિએશન સેક્ટરમાં સંશોધન અને મોનિટરિંગ માટેની મુખ્ય સંસ્થા બનશે. સરકાર આના દ્વારા 10 વર્ષનો 'નેશનલ ટ્રાન્સપોર્ટ માસ્ટર પ્લાન' તૈયાર કરશે, જેથી ભવિષ્યના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કનેક્ટિવિટીના લક્ષ્યાંકો સાથે સુસંગત રહી શકે.
મોટા પ્રોજેક્ટ્સ માટે નવો નિયમ
આ સંસ્થાની સૌથી મહત્વની ભૂમિકા ₹500 કરોડ કે તેથી વધુ મૂલ્યના તમામ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ટેકનિકલ મૂલ્યાંકન કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા પ્રોજેક્ટ્સ માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ ઓપરેશનલ દ્રષ્ટિએ પણ કાર્યક્ષમ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ડેટા-આધારિત નિર્ણય
ITLA એક 'નેશનલ ટ્રાન્સપોર્ટ ડેટા રિપોઝિટરી'નું પણ સંચાલન કરશે. જેમાં GSTN ઈ-વે બિલ, FASTag ટ્રાન્ઝેક્શન અને Vahan પોર્ટલનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ ડેટાનું વિશ્લેષણ કરીને સપ્લાય ચેઈનની ખામીઓ દૂર કરવામાં અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણકારો માટે આ એક મોટા બદલાવના સંકેત છે. જોકે, પડકાર એ વાતનો રહેશે કે મંત્રાલયો વચ્ચે કેવી રીતે તાલમેલ બેસાડવામાં આવે છે, જેથી પ્રોજેક્ટ અમલીકરણમાં કોઈ બિનજરૂરી વિલંબ ન થાય.
