Microsoft, Alphabet, Amazon, Meta અને Oracle જેવી ટેક દિગ્ગજ કંપનીઓએ શેરહોલ્ડર્સને મળતા પેઆઉટમાં મોટો ઘટાડો કર્યો છે. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અતિશય ખર્ચના કારણે કંપનીઓનું ફ્રી કેશ ફ્લો ઘટ્યું છે અને બાયબેક (Buyback) માં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓ દ્વારા રોકાણકારોને આપવામાં આવતા કેશ રિટર્નનો સુવર્ણકાળ હાલ પૂરતો અટક્યો હોય તેવું લાગે છે. 2026 ના પ્રથમ 9 મહિનામાં આ ટેક જાયન્ટ્સ કંપનીઓએ તેમના કુલ જનરેટ થયેલા કેશમાંથી માત્ર 9.3% જ હિસ્સો શેરહોલ્ડર્સને આપ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 27.4% હતો. આ ઘટાડો છેલ્લા 15 વર્ષમાં સૌથી નીચો છે.
AI પાછળ બેફામ ખર્ચ
આ કંપનીઓ અત્યારે ડેટા સેન્ટર્સ બનાવવા અને AI સિસ્ટમ્સ માટે જરૂરી સ્પેશિયલ હાર્ડવેર ખરીદવાની રેસમાં છે. આ ખર્ચ એટલો મોટો છે કે કંપનીઓએ કુલ $542.9 અબજ ઓપરેટિંગ કેશ જનરેટ કરી હોવા છતાં, કેપિટલ પ્રોજેક્ટ્સ પાછળ $556.9 અબજ ખર્ચી નાખ્યા છે. પરિણામે, ફ્રી કેશ ફ્લોમાં $14 અબજનો નેગેટિવ તફાવત જોવા મળ્યો છે, જે એક વર્ષ પહેલા $143.5 અબજના સરપ્લસમાં હતો.
રોકાણકારો માટે બદલાતી સ્થિતિ
વર્ષો સુધી આ કંપનીઓ શેર બાયબેક દ્વારા રોકાણકારોને માલામાલ કરતી હતી, જેનાથી શેરના ભાવને સપોર્ટ મળતો હતો. જોકે, આ વર્ષે બાયબેકમાં 83% નો મોટો ઘટાડો થઈને તે $13.6 અબજ પર આવી ગયું છે. Alphabet અને Meta એ બાયબેક અટકાવ્યા છે, જ્યારે Amazon એ 2022 પછી કોઈ બાયબેક કર્યું નથી.
ભારતીય રોકાણકારોએ શું સમજવું?
FANG+ ETFs કે Nasdaq-100 ઇન્ડેક્સ ફંડ્સ દ્વારા આ કંપનીઓમાં રોકાણ કરતા ભારતીય રોકાણકારો માટે હવે જોખમ બદલાયું છે. કંપનીઓ હવે 'કેશ-રિચ' થી બદલાઈને 'ગ્રોથ-એટ-એની-કોસ્ટ' મોડમાં આવી ગઈ છે. આગામી સમયમાં, જો AI પાછળનો આ ખર્ચ સીધો પ્રોફિટમાં નહીં બદલાય, તો બાયબેકના અભાવે આ શેરોમાં મોટી વોલેટાલિટી જોવા મળી શકે છે.
