Paytm, Groww અને PB Fintech જેવી દિગ્ગજ ભારતીય ફિનટેક કંપનીઓમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ટેકનોલોજી અને ડેટા સેન્ટરનો ખર્ચ આસમાને પહોંચ્યો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.
ભારતીય ફિનટેક કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અપનાવવાની દોડમાં પોતાના ઓપરેશનલ ખર્ચમાં મોટો વધારો કરી રહી છે. One97 Communications (Paytm), Groww, અને PB Fintech જેવી મોટી કંપનીઓએ તાજેતરના રિપોર્ટ્સમાં ટેકનોલોજી, ક્લાઉડ અને ડેટા સેન્ટરના ખર્ચમાં ધરખમ ઉછાળો નોંધાવ્યો છે, જે દર્શાવે છે કે હવે તેઓ પ્રાયોગિક ધોરણે નહીં પણ મોટા પાયે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધી રહી છે.
ખર્ચનો આંકડો શું કહે છે?
કંપનીઓના નાણાકીય પરિણામોમાં આ ટ્રેન્ડ સ્પષ્ટ દેખાય છે:
- Paytm: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોફ્ટવેર, ક્લાઉડ અને ડેટા સેન્ટરના ખર્ચમાં 59% નો વધારો થઈને તે ₹211 કરોડ પર પહોંચ્યો છે.
- Groww: સર્વિંગ કોસ્ટ 66% વધીને ₹206 કરોડ થઈ છે, જેમાં AI ડેવલપમેન્ટનો હિસ્સો ₹13 કરોડ રહ્યો છે.
- PB Fintech: ઇન્ટરનેટ સંબંધિત ખર્ચ 65% વધીને ₹71 કરોડ નોંધાયો છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું દબાણ અને જોખમો
આ વધતો ખર્ચ ડિમાન્ડ અને સપ્લાયના અસંતુલનને કારણે છે. ગ્લોબલ માર્કેટમાં GPU અને ક્લાઉડ સર્વિસના ભાવ વધ્યા છે. જોકે કંપનીઓ હાલ Amazon Web Services અને Google Cloud સાથે લાંબા ગાળાના કરાર ધરાવે છે, પરંતુ કરાર રિન્યુ થતી વખતે કંપનીઓ પર મોટું નાણાકીય ભારણ આવી શકે છે.
આ સિવાય હાર્ડવેરનું ટૂંકું આયુષ્ય (૧૮-૨૪ મહિનામાં જૂનું થઈ જવું) અને ભારતમાં AI ગવર્નન્સ માટેના કડક નિયમો (Compliance) કંપનીઓ માટે વધારાનો બોજ સાબિત થઈ રહ્યા છે. ક્રેડિટ અન્ડરરાઈટિંગ અને ફ્રોડ ડિટેક્શન માટે 'Explainable AI' ફરજિયાત બનવાથી ટેક સ્ટેક પર ખર્ચ ઘટાડવો લગભગ અશક્ય છે.
રોકાણકારોએ શું જોવું?
ભારતનું ડેટા સેન્ટર સેક્ટર ૨૦૩૦ સુધીમાં 6.7 GW ક્ષમતા પાર કરવાની અપેક્ષા રાખે છે. પરંતુ વ્યક્તિગત રોકાણકારો માટે મુખ્ય પ્રશ્ન માર્જિન પ્રોટેક્શનનો છે. મેનેજમેન્ટ સાબિત કરી શકશે કે શું આ AI ખર્ચ ખરેખર આવકમાં વધારો કરશે કે પછી પ્રોફિટ પર 'ડ્રેગ' સાબિત થશે? આગામી ક્વાર્ટરના પરિણામોમાં ટેક સ્ટેક ઓપ્ટિમાઈઝેશન અંગેની ટિપ્પણી પર નજર રાખવી અત્યંત જરૂરી છે.
