૧ જાન્યુઆરી, ૨૦૨૭થી ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે નવા નિયમો લાગુ થશે. હવે કંપનીઓએ ડિસ્કાઉન્ટ સાથે છેલ્લા ૩૦ દિવસની સૌથી ઓછી કિંમત દર્શાવવી પડશે, જેથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ભાવથી બચાવી શકાય.
ડિસ્કાઉન્ટ સ્ટ્રેટેજીમાં મોટો ફેરફાર
સરકારે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે Consumer Protection (E-Commerce) (Amendment) Rules, 2026 તૈયાર કર્યા છે. હવે કંપનીઓ કોઈ પણ ડિસ્કાઉન્ટ જાહેર કરે, ત્યારે તેની બાજુમાં છેલ્લા ૩૦ દિવસની સૌથી ઓછી કિંમત (Prior Price) દર્શાવવી અનિવાર્ય છે. આનાથી તહેવારો કે સેલ દરમિયાન કરવામાં આવતી કૃત્રિમ ભાવ વધારાની પ્રેક્ટિસ પર રોક લાગશે.
સર્ચ પરિણામો અને સ્પૉન્સર્ડ લિસ્ટિંગ
માત્ર ભાવ જ નહીં, પણ સર્ચ એલ્ગોરિધમમાં પણ પારદર્શિતા લાવવી પડશે. કંપનીઓ હવે ગ્રાહકોને ભ્રમિત કરવા માટે સર્ચ રિઝલ્ટ સાથે છેડછાડ નહીં કરી શકે. સાથે જ, દરેક પેઇડ કે સ્પૉન્સર્ડ પ્રોડક્ટને અલગથી દર્શાવવી પડશે, જેથી ગ્રાહક જાણી શકે કે કયું પ્રોડક્ટ એડ છે અને કયું ઓર્ગેનિક રિઝલ્ટ છે.
વધશે કમ્પ્લાયન્સનો ખર્ચ
વર્ષ ૨૦૨૫માં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર મળેલી કુલ ૧૭.૭ લાખ ફરિયાદોમાંથી ૨૯% તો ફક્ત ઈ-કોમર્સ સેક્ટરની હતી. આ સમસ્યાને ઉકેલવા હવે પ્લેટફોર્મ્સે તેમના ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમને ડાયરેક્ટ હેલ્પલાઈન સાથે જોડવી પડશે. આ સાથે 2023 Dark Pattern Guidelines નું પાલન કરવું અને દર વર્ષે સેલ્ફ-ઓડિટ રિપોર્ટ સબમિટ કરવો ફરજિયાત રહેશે. રોકાણકારો માટે આ નિયમો કંપનીઓના ઓપરેશનલ ખર્ચમાં વધારો કરી શકે છે, જેની સીધી અસર તેમના નફા પર જોવા મળી શકે છે.
