CERT-In એ ભારતીય કંપનીઓને ચેતવણી આપી છે કે AI એજન્ટ્સમાં થયેલી તાજેતરની સુરક્ષા ખામીઓ કોઈ મોટા હેકિંગને કારણે નહીં, પરંતુ પાસવર્ડ લીક જેવી પાયાની બેદરકારીને કારણે થઈ છે. આ સાયબર જોખમો કંપનીઓના ઓપરેશનલ અને ગવર્નન્સ માળખા પર સવાલ ઉભા કરે છે.
ભારતીય કોર્પોરેટ જગતમાં સાયબર સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોર્ટ ટીમ (CERT-In) દ્વારા કરાયેલા ખુલાસા મુજબ, AI એજન્ટ્સ સાથે જોડાયેલી સુરક્ષા ખામીઓ પાછળ કોઈ જટિલ હેકિંગ નહીં, પરંતુ પાયાની ભૂલો જવાબદાર છે. કંપનીઓ દ્વારા પાસવર્ડને પ્લેન ટેક્સ્ટમાં રાખવા, સોફ્ટવેર અપડેટ ન કરવા અને ક્લાઉડ એક્સેસ પરમિશનમાં ભૂલો કરવી જેવી લાપરવાહીને કારણે સંવેદનશીલ ડેટા સુરક્ષિત રહ્યો નથી.
કોર્પોરેટ ડિજિટલ માળખામાં મોટી ખામી
CERT-In ના રિપોર્ટ મુજબ, ઘણી કંપનીઓને તો એ ખબર પણ નહોતી કે તેમના સિસ્ટમમાં કોઈ અનધિકૃત વ્યક્તિ ઘૂસી ગઈ છે. આ 'વિઝિબિલિટી ગેપ' સૂચવે છે કે કંપનીઓ પાસે ડેટાને મોનિટર કરવા માટે મજબૂત સાધનોનો અભાવ છે. જે કંપનીઓ ગ્રાહકોનો મોટો ડેટા કે નાણાકીય માહિતી હેન્ડલ કરે છે, તેમના માટે આ એક મોટું જોખમ છે.
રોકાણકારો માટે શું છે સંકેત?
આ આખી ઘટનાની સીધી અસર IT, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર પર પડી શકે છે. જે કંપનીઓ API (Application Programming Interface) નો વધુ ઉપયોગ કરે છે, તેઓ સાયબર હુમલાઓ માટે વધુ સંવેદનશીલ બની ગઈ છે. જોકે સરકાર અત્યારે કાયદાકીય કાર્યવાહીને બદલે કંપનીઓને તેમના ડિફેન્સ પ્રોટોકોલ સુધારવા પર ભાર મૂકી રહી છે, પરંતુ આવનારા સમયમાં કંપનીઓના 'સાયબર સિક્યોરિટી ખર્ચ'માં મોટો વધારો જોવા મળી શકે છે.
હવે રોકાણકારો માટે ટેક્નોલોજીના અમલીકરણ કરતા કંપનીનું ગવર્નન્સ વધુ મહત્વનું બની ગયું છે. હવે કંપનીઓએ સાયબર ઓડિટ, ડિજિટલ સુરક્ષા પાછળનું બજેટ અને ઓટોમેટેડ પ્રોસેસમાં માનવીય દેખરેખ રાખવી અનિવાર્ય છે. જે કંપનીઓ સુરક્ષાને પ્રાથમિકતા આપશે, તે જ લાંબા ગાળે બજારમાં પોતાનું સ્થાન ટકાવી શકશે.
