ટેક જાયન્ટ Apple માં એક મોટા નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બર, 2026 થી John Ternus કંપનીના નવા CEO બન્યા છે, જ્યારે Tim Cook હવે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કામ કરશે. રોકાણકારોની નજર હવે 9 સપ્ટેમ્બરે યોજાનાર પ્રોડક્ટ લોન્ચ અને કંપનીની આગામી AI રણનીતિ પર છે.
Apple ના કોર્પોરેટ ઈતિહાસમાં હવે એક નવા પ્રકરણની શરૂઆત થઈ છે. 15 વર્ષના લાંબા ગાળા બાદ Tim Cook હવે સીધા સંચાલનમાંથી હટીને એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા છે. તેમની આગેવાની હેઠળ કંપનીએ વાર્ષિક $416 અબજનું મસમોટું રેવન્યુ નોંધાવ્યું હતું. નવા CEO John Ternus 2001 થી કંપની સાથે જોડાયેલા છે અને હાર્ડવેર એન્જિનિયરિંગના નિષ્ણાત છે. તેઓ iPad, Mac અને AirPods જેવી મહત્વની પ્રોડક્ટ્સ સાથે જોડાયેલા રહ્યા હોવાથી રોકાણકારો હવે પ્રોડક્ટ ક્વોલિટીમાં સાતત્યની અપેક્ષા રાખી રહ્યા છે.
નવી લીડરશીપ માટે પહેલી મોટી પરીક્ષા
માર્કેટનું ધ્યાન હવે 9 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાનાર મોટા પ્રોડક્ટ ઈવેન્ટ પર છે. આ ઈવેન્ટમાં iPhone 18 Pro સીરીઝ લોન્ચ થવાની આશા છે. John Ternus માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની આ પ્રથમ મોટી તક હશે. વિશ્લેષકો એ જોવા માંગે છે કે શું આ ઈવેન્ટમાં કંપનીની વ્યૂહરચનામાં કોઈ મોટો ફેરફાર જોવા મળે છે કે નહીં.
પડકારો અને રોકાણકારો માટે મહત્વના મુદ્દા
ભલે નેતૃત્વ પરિવર્તન શાંતિપૂર્ણ રહ્યું હોય, પરંતુ નવા CEO સામે મુખ્ય બે પડકારો છે. પ્રથમ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની સ્પર્ધા, જ્યાં Apple પોતાના હરીફોની તુલનામાં થોડું પાછળ હોવાનું મનાય છે. આ ગેપને ભરવો હવે કંપની માટે અનિવાર્ય છે.
બીજું, ચીન પર નિર્ભર સપ્લાય ચેઈન અને વધતા જતા મેમરી કોસ્ટને કારણે કંપનીના માર્જિન પર દબાણ આવી શકે છે. ભૌગોલિક રાજકીય તણાવ અને વેપારના જોખમો વચ્ચે નવા CEO કેવી રીતે કંપનીની પ્રોફિટેબિલિટી જાળવી રાખે છે તે જોવું રસપ્રદ રહેશે.
