તહેવારોની સિઝનમાં D2C બ્રાન્ડ્સની ડિમાન્ડને પહોંચી વળવા માટે Recur Club મેદાનમાં આવ્યું છે. કંપનીએ ₹500 કરોડનું ખાસ ડેટ ફંડ લોન્ચ કર્યું છે, જે લગભગ 170 જેટલી બ્રાન્ડ્સને ઈન્વેન્ટરી અને સ્ટોર એક્સપાન્શન માટે મદદરૂપ થશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ફાઈનાન્શિયલ પ્લેટફોર્મ Recur Club એ આગામી ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને ₹500 કરોડનું મોટું ફંડ જાહેર કર્યું છે. આ ફંડનો મુખ્ય હેતુ D2C બ્રાન્ડ્સને વર્કિંગ કેપિટલ પૂરી પાડવાનો છે, જેથી તેઓ સરળતાથી ઈન્વેન્ટરી વધારી શકે અને ફિઝિકલ સ્ટોરનો વિસ્તાર કરી શકે.
આ ફંડિંગ મોડેલ કેવી રીતે અલગ છે?
Recur Club પરંપરાગત બેંક લોન કરતા અલગ રીતે કામ કરે છે. તે બ્રાન્ડ્સ વતી માલની ખરીદીનું સંચાલન કરે છે, જેને બ્રાન્ડ્સ હપ્તામાં ચૂકવી શકે છે. આનાથી કંપનીઓના ચોપડે એકસાથે મોટું દેવું દેખાતું નથી. ઉપરાંત, સ્ટોર ફિટ-આઉટ માટે પણ કંપનીઓ માસિક ભાડાની જેમ ચુકવણી કરી શકે છે, જેથી તેમને શરૂઆતમાં મોટી રોકડ રકમ ખર્ચવી પડતી નથી. સરેરાશ દરેક કંપનીને ₹3 કરોડ સુધીની મદદ મળી શકે છે.
વધતા પડકારો અને રિસ્ક ફેક્ટર
હાલમાં D2C સેક્ટર માટે પડકારો ઘણા છે. પ્લેટફોર્મના ડેટા મુજબ, આ ક્વાર્ટરમાં ફંડિંગની માંગમાં 35% નો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ, સપ્લાય ચેઈન દબાણને કારણે પેકેજિંગ ખર્ચમાં 21% નો વધારો થયો છે. ખાસ કરીને 'ક્વિક કોમર્સ' (Quick Commerce) ના વધતા દબદબાને કારણે બ્રાન્ડ્સને હવે અલગ-અલગ લોકેશન પર વધુ સ્ટોક રાખવો પડે છે, જે તેમની લિક્વિડિટી પર દબાણ લાવે છે.
જોકે, રોકાણકારોએ એક વાત સમજવી જોઈએ કે જો તહેવારો દરમિયાન આ બ્રાન્ડ્સ અપેક્ષિત વેચાણ ન કરી શકે, તો લોન ડિફોલ્ટ થવાનું જોખમ રહેલું છે. Recur Club પોતે પણ સંસ્થાકીય ધિરાણકર્તાઓ પર નિર્ભર હોવાથી, મૂડીની ઉપલબ્ધતામાં કોઈ પણ ફેરફાર તેની કામગીરીને અસર કરી શકે છે.
