રોકાણકારોના હિતમાં SEBI એ એક નવો નિયમ બહાર પાડ્યો છે. હવે તમામ ડેટ સિક્યુરિટીઝ પર **6-ટાયર** 'Credit Risk-o-Meter' દર્શાવવું ફરજિયાત રહેશે, જેથી રોકાણકારો સરળતાથી ડિફોલ્ટ રિસ્ક સમજી શકે.
કેવી રીતે કામ કરશે આ નવું રિસ્ક મીટર?
સેબી (SEBI) ના આ નવા નિયમ હેઠળ ડેબિટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને 6 અલગ-અલગ લેવલમાં વહેંચવામાં આવશે. આ સિસ્ટમ ટ્રાફિક સિગ્નલના કલર સ્પ્રેક્ટમ જેવી હશે. જેમાં ગ્રીન કલર લો-રિસ્ક (જેમ કે AAA રેટિંગ) દર્શાવે છે, જ્યારે સ્કેલ જેમ આગળ વધે તેમ યલો, બ્રાઉન અને ઓરેન્જ કલર અને અંતે રેડ કલર આવે છે, જે B, C અથવા D રેટિંગવાળા હાઈ-રિસ્ક ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે છે.
સેબીએ અહીં વધુ સાવચેતી દાખવી છે. જો કોઈ સિક્યુરિટી પાસે એકથી વધુ રેટિંગ હોય, તો મીટરમાં સૌથી લો-રેટિંગ જ દર્શાવવું પડશે. આ ઉપરાંત, તમામ અનસિક્યોર્ડ (Unsecured) ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે લાલ અક્ષરે 'Unsecured' લખવું પણ ફરજિયાત છે.
અમલીકરણ અને સમયમર્યાદા
ઇશ્યુઅર્સ અને ઓનલાઇન બોન્ડ પ્લેટફોર્મ્સને આ ફેરફારો માટે 45 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. આ નિયમ લિસ્ટેડ અને લિસ્ટ થવા જઈ રહેલી તમામ ડેટ સિક્યુરિટીઝને લાગુ પડશે. હવે ઓફર ડોક્યુમેન્ટ્સથી લઈને જાહેરાતો અને ડિજિટલ પ્લેટફોર્મ સુધી આ મીટર સ્પષ્ટપણે દેખાવું જોઈએ. જો કોઈ કંપની 'Issuer Not Cooperating' ની યાદીમાં હશે, તો તે પણ મીટર પર એરો દ્વારા સ્પષ્ટ દર્શાવવું પડશે.
રોકાણકારો માટે ચેતવણી
યાદ રાખો, આ રિસ્ક મીટર માત્ર ક્રેડિટ રિસ્ક (ડિફોલ્ટ રિસ્ક) દર્શાવે છે. તે વ્યાજ દરોમાં વધઘટ, માર્કેટ વોલેટિલિટી કે લિક્વિડિટીના જોખમોને માપતું નથી. ખાસ કરીને AT1 બોન્ડ્સ જેવા જટિલ સાધનો માટે રોકાણકારોએ સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે તેમાં અસલ રકમ ગુમાવવાનું જોખમ પણ હોઈ શકે છે. આ માત્ર એક ડિસ્ક્લોઝર ટૂલ છે, રોકાણની સલાહ નથી.
