NSE ના CEO આશિષ કુમાર ચૌહાણે તમામ સ્ટોક બ્રોકર્સને સાયબર સુરક્ષા વધારવા માટે તાકીદ કરી છે. AI દ્વારા વધતા સાયબર હુમલાઓને ધ્યાનમાં રાખીને, આ સુરક્ષા હવે માત્ર નિયમ નથી પણ બિઝનેસની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે.
સાયબર સુરક્ષા હવે માત્ર ફોર્માલિટી નથી
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના એમડી અને CEO આશિષ કુમાર ચૌહાણે બ્રોકરેજ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં સાયબર હુમલાઓ વધુ સ્માર્ટ અને ઓટોમેટેડ બની રહ્યા છે, ત્યારે એક્સચેન્જે તમામ બ્રોકર્સને તેમના નેટવર્કનું સંપૂર્ણ ઓડિટ કરવા જણાવ્યું છે. ડિજિટલ સિક્યોરિટીને હવે માત્ર એક 'ચેકલિસ્ટ' ગણવાને બદલે તેને મુખ્ય વ્યવસાયિક આધારસ્તંભ તરીકે જોવો પડશે.
સિસ્ટમિક રિસ્કને કેવી રીતે અટકાવવું?
ભારતીય ટ્રેડિંગ ઇકોસિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે. જો કોઈ એક બ્રોકરેજ હાઉસમાં સાયબર Breach થાય, તો તેની અસર આખા માર્કેટ પર પડી શકે છે. આ જોખમને ઘટાડવા માટે NSE એક ખાસ 'ઇન્ડસ્ટ્રી ટાસ્ક ફોર્સ' બનાવવાનું વિચારી રહ્યું છે. આ ગ્રુપ અલગ-અલગ બ્રોકર્સ વચ્ચે સંકલન સાધીને ખતરાઓ સામે રક્ષણ મેળવશે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો પડકાર
NSE માત્ર AI પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યના જોખમો પર પણ નજર રાખી રહ્યું છે. ખાસ કરીને 'ક્વોન્ટમ કમ્પ્યુટિંગ' આવનારા સમયમાં અત્યારના ડેટા એન્ક્રિપ્શનને તોડવા માટે સક્ષમ હોઈ શકે છે. એક્સચેન્જે બ્રોકર્સને સલાહ આપી છે કે જો તેમની પાસે આંતરિક ક્ષમતા ન હોય, તો તેઓએ બાહ્ય ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવી જોઈએ. રોકાણકારો માટે આ બાબત મહત્વની છે, કારણ કે આ અપગ્રેડ પાછળ થનારો ખર્ચ આવનારા ક્વોર્ટરમાં લિસ્ટેડ બ્રોકરેજ કંપનીઓના માર્જિન પર દબાણ લાવી શકે છે.
