ભારતની **52** કોર્પોરેટ સાઇટ્સના તાજેતરના ઓડિટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કુલ **4,694** જેટલા કાયદાકીય ઉલ્લંઘન નોંધાયા છે, જેમાંથી લગભગ અડધા કિસ્સામાં તો કંપનીના ટોચના હોદ્દેદારો અને ડાયરેક્ટર્સને જેલની સજા પણ થઈ શકે છે.
TeamLease RegTech દ્વારા કરવામાં આવેલા આ ઓડિટમાં સામે આવ્યું છે કે આ માત્ર નાની-મોટી ભૂલો નથી, પરંતુ ગંભીર કાયદાકીય જોખમો છે. ઓડિટના કુલ તારણોમાંથી 70.4% કિસ્સાઓમાં સીધી દંડની જોગવાઈ છે. રોકાણકારો માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે 46.1% ઉલ્લંઘનોમાં જેલની સજાની જોગવાઈ છે, જેની સીધી જવાબદારી કંપનીના ડાયરેક્ટર્સ, સિનિયર ઓફિસર્સ અને ફેક્ટરી ઓક્યુપાયર્સ પર આવી શકે છે.
ક્યાં છે સૌથી વધુ જોખમ?
રિપોર્ટ અનુસાર, કુલ ઉલ્લંઘનોમાંથી 91.7% લેબર (Labour) અને પર્યાવરણ, આરોગ્ય અને સુરક્ષા (EHS) ના નિયમો સાથે જોડાયેલા છે. ખાસ કરીને વેરહાઉસ અને ડેપોમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં પ્રતિ લોકેશન સરેરાશ 58.2 ખામીઓ જોવા મળી છે. આનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટ લેબર પર વધુ પડતી નિર્ભરતા અને સાઇટ સુપરવાઇઝર્સ દ્વારા અપૂરતી દેખરેખ હોવાનું માનવામાં આવે છે.
રોકાણકારો માટે ચેતવણી
શેરધારકો માટે આ રિપોર્ટ એક મહત્વનો સંકેત છે કે કંપનીનું 'ઓપરેશનલ ગવર્નન્સ' તેના નાણાકીય દેખાવ જેટલું જ મહત્વનું છે. નિયમોના પાલનમાં નિષ્ફળતા માત્ર દંડ જ નહીં, પરંતુ ઓપરેશન બંધ થવા, મોંઘા કાયદાકીય કેસ અને કંપનીની પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. બોર્ડ ઘણીવાર પોતાની આંતરિક નિયંત્રણ સિસ્ટમ પર વધુ વિશ્વાસ રાખે છે, પરંતુ અચાનક થતી તપાસમાં મોટી પોલ ખૂલી જાય છે.
રોકાણકારોએ કંપનીના વાર્ષિક રિપોર્ટમાં રહેલા 'Management Discussion and Analysis' સેક્શનને ધ્યાનથી વાંચવું જોઈએ, જેમાં કાયદાકીય જોખમોનું વિવરણ હોય છે. જે કંપનીઓ કમ્પ્લાયન્સ મોનિટરિંગમાં ઓટોમેશનનો ઉપયોગ કરે છે, તે લાંબા ગાળે વધુ સુરક્ષિત સાબિત થઈ શકે છે.
