Ministry of New and Renewable Energy (MNRE) એ સોલાર પ્રોજેક્ટ્સમાં આયાતી ચીની માલના ઉપયોગને અટકાવવા કમર કસી છે. હવે DCR નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ પર બ્લેકલિસ્ટિંગની તલવાર લટકી રહી છે.
સોલાર સેક્ટરમાં ચાલી રહેલા ગોલમાલને રોકવા માટે MNRE એ હવે સખત વલણ અપનાવ્યું છે. સરકાર હવે એવા સોલાર સેલ ઉત્પાદકો પાસેથી ફરજિયાત અંડરટેકિંગ માંગી રહી છે જેઓ ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ (DCR) હેઠળ પ્રોજેક્ટ્સમાં ભાગ લે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય સસ્તા ચીની 'બ્લુ વેફર્સ'ના ઉપયોગને રોકવાનો છે, જેનો ઉપયોગ કરીને ઘણી કંપનીઓ તેને મેડ-ઈન-ઈન્ડિયા સાબિત કરીને સબસિડીનો લાભ લેતી હતી.
આખા મામલાની ગંભીરતા શું છે?
ભારતમાં હાલમાં સોલાર મોડ્યુલ એસેમ્બલીની ક્ષમતા 193 GW જેટલી વિશાળ છે, પરંતુ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગની ક્ષમતા માત્ર 30 GW આસપાસ જ છે. આ મોટા તફાવતને કારણે ઘણી કંપનીઓ આયાતી માલનો સહારો લે છે. PM સૂર્ય ઘર જેવી યોજનાઓમાં ક્વોલિફાય થવા માટે સેલ્સનું ભારતમાં પ્રોસેસ થવું જરૂરી છે, પરંતુ અમુક પ્લેયર્સ 'બ્લેક વેફર્સ'ને બદલે સસ્તા 'બ્લુ વેફર્સ' વાપરીને નિયમોનો ભંગ કરી રહ્યા હતા.
રોકાણકારો માટે શું છે જોખમ?
સરકારની આ કડકાઈથી જે કંપનીઓ સંપૂર્ણપણે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ (સેલ અને મોડ્યુલ બંનેનું ઉત્પાદન કરતી) છે તેમને ફાયદો થશે, પરંતુ જે કંપનીઓ ફક્ત એસેમ્બલી પર નિર્ભર છે તેમના માટે ઓપરેશનલ રિસ્ક વધી ગયું છે. જો કોઈ સપ્લાયર બ્લેકલિસ્ટ થાય, તો તેના કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ અને ખર્ચમાં વધારો થવાની પૂરી શક્યતા છે. આગામી સમયમાં સોલાર સેલના પુરવઠામાં ખેંચાણ જોવા મળી શકે છે જે પ્રોજેક્ટની પડતર કિંમત પર સીધી અસર કરશે.
