Bombay High Court એ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે, મકાનનો કબજો મોડો મળવા પર હવે માત્ર મૂળ ખરીદનાર જ નહીં, પરંતુ તેના કાનૂની વારસદારો અને પ્રોપર્ટી ખરીદનાર અન્ય વ્યક્તિઓ પણ ડેવલપર પાસેથી વ્યાજ માંગી શકે છે.
વ્યાજ મેળવવાનો અધિકાર પ્રોપર્ટી સાથે જોડાયેલો છે
બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વળતર માંગવાનો અધિકાર એ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ તે પ્રોપર્ટી સાથે જોડાયેલો છે. RERA હેઠળ આવેલા આ ચુકાદાથી હવે ડેવલપર્સ એ બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી નહીં શકે કે મૂળ ખરીદનારનું અવસાન થયું છે અથવા પ્રોપર્ટી ટ્રાન્સફર થઈ ગઈ છે.
મ્યુનિસિપલ મંજૂરીનું બહાનું હવે નહીં ચાલે
કોર્ટે તે દલીલને ફગાવી દીધી છે જેમાં ડેવલપર્સ કહેતા હતા કે મ્યુનિસિપલ મંજૂરીમાં વિલંબને કારણે પ્રોજેક્ટ અટવાયો છે અને તેને 'ફોર્સ મેજર' (અનિવાર્ય સંજોગો) ગણવો જોઈએ. કોર્ટે કહ્યું કે સરકારી મંજૂરી મેળવવી એ ડેવલપરની પ્રાથમિક જવાબદારી છે, તેથી આ પ્રકારના વહીવટી કારણો આગળ ધરીને તેઓ ગ્રાહકો કે વારસદારોને વળતર આપવામાંથી બચી શકતા નથી.
કેસની વિગત: ₹5.51 કરોડ પર વ્યાજ
એક તાજેતરના કેસમાં કોર્ટે ડેવલપરને ₹5.51 કરોડની રકમ પર 9% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ પ્રોજેક્ટમાં 12 વર્ષનો વિલંબ થયો હતો, જે માર્ચ 2008 થી ફેબ્રુઆરી 2020 સુધીનો હતો. કોર્ટે અસલ સેલ એગ્રીમેન્ટ મુજબ જ વ્યાજની ગણતરી કરવાનું નક્કી કર્યું છે.
આ ચુકાદો એવા તમામ રોકાણકારો માટે મોટી રાહત સમાન છે જેઓ પ્રોપર્ટીના કાનૂની વારસદાર છે અથવા જેમણે સેકન્ડરી માર્કેટમાંથી પ્રોપર્ટી ખરીદી છે. હવે ડેવલપર્સ માટે પ્રોજેક્ટમાં વિલંબ કરવો મોંઘો સાબિત થશે.
