RBI હવે ₹10 અને ₹20 ની ચલણી નોટો માટે Polymer નો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. ખાસ વાત એ છે કે ATM માં કોઈ ફેરફાર નહીં કરવો પડે, જેથી બેંકોનો મોટો ખર્ચ બચશે.
ATM અપડેટનો ખર્ચ બચાવશે RBI
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારતીય ચલણની આયુષ્ય વધારવા માટે મોટું કદમ ઉઠાવ્યું છે. એપ્રિલ 2027 સુધીમાં ₹10 અને ₹20 ના દરની નોટો હવે કાગળને બદલે Polymer સબસ્ટ્રેટથી બનાવવામાં આવશે. આ પ્લાનનું સૌથી મહત્વનું પાસું એ છે કે નવી નોટોનું કદ અને માપ અત્યારની નોટો જેવું જ રાખવામાં આવશે. પરિણામે, દેશભરના ATM માં કોઈ મોટું ટેકનિકલ કે હાર્ડવેર ફેરફાર કરવું નહીં પડે, જેનાથી બેંકિંગ સેક્ટરને કરોડોનો વધારાનો ખર્ચ નહીં ભોગવવો પડે.
લાંબા ગાળાનો ફાયદો
જોકે Polymer નોટ્સ બનાવવાનો પ્રારંભિક ખર્ચ કાગળની નોટો કરતા વધારે છે, પરંતુ વૈશ્વિક ધોરણો મુજબ તે કાગળની નોટો કરતા 2 થી 4 ગણી વધારે ટકાઉ હોય છે. વારંવાર નોટો બદલવાનો ખર્ચ ઘટતા લાંબા ગાળે આ નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ટેકનિકલ પડકારો અને ટેન્ડર
આ સમગ્ર પ્રક્રિયા Bharatiya Reserve Bank Note Mudran Private Limited (BRBNMPL) હેઠળ થઈ રહી છે. આ ટેન્ડર માટે 6 કંપનીઓએ રસ દાખવ્યો છે, જેમાં Uflex અને અમેરિકાની Spectra Systems પણ સામેલ છે. નવી નોટોમાં પ્રાણીજન્ય પદાર્થોનો ઉપયોગ ટાળવો અને ભારતના આબોહવા પ્રમાણે તેની મજબૂતી ચકાસવી એ સૌથી મોટું લક્ષ્ય છે.
રોકાણકારોએ શું જોવું?
હાલમાં આ પ્રોજેક્ટ 1 અબજ નોટોના પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થઈ રહ્યો છે. જો આ ટ્રાયલ સફળ રહેશે, તો ભારતીય પેકેજિંગ અને પ્રિન્ટિંગ સેક્ટરમાં નવી તકો ઊભી થઈ શકે છે. રોકાણકારો માટે આ સેક્ટરમાં આવતા ડેવલપમેન્ટ્સ પર નજર રાખવી અત્યંત જરૂરી છે.
