RBI ના ડેપ્યુટી ગવર્નર રોહિત જૈને ફાઈનાન્શિયલ સેક્ટરની ક્લાઉડ અને ટેક પ્રોવાઈડર્સ પરની વધતી નિર્ભરતા સામે ચેતવણી આપી છે. આ કારણે હવે બેંકોએ પોતાની ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ વધારવો પડી શકે છે.
RBI એ ફાઈનાન્શિયલ સેક્ટરની ટેક્નોલોજી અને ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ પરની વધતી જતી નિર્ભરતાને લઈને સખત વલણ અપનાવ્યું છે. મુંબઈમાં આયોજિત 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ'માં ડેપ્યુટી ગવર્નર રોહિત જૈને સ્પષ્ટ કર્યું કે ડિજિટલ એડોપ્શનથી કાર્યક્ષમતા તો વધે છે, પરંતુ તે સિસ્ટમિક રિસ્ક પણ ઉભું કરે છે.
શું છે 'કોન્સન્ટ્રેશન રિસ્ક'?
સેન્ટ્રલ બેંકની મુખ્ય ચિંતા 'કોન્સન્ટ્રેશન રિસ્ક' (Concentration Risk) છે. મોટાભાગની બેંકો અને NBFCs ક્લાઉડ સ્ટોરેજ, ડેટા પ્રોસેસિંગ અને AI એનાલિટિક્સ માટે ગણ્યા-ગાંઠ્યા પ્લેટફોર્મ્સ પર આધાર રાખે છે. જો આમાંથી કોઈ એક પ્લેટફોર્મમાં ટેકનિકલ ખામી સર્જાય, તો તે એક જ નહીં પરંતુ અનેક સંસ્થાઓમાં સિસ્ટમિક ખોટકાણ પેદા કરી શકે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને જટિલતા
ડેપ્યુટી ગવર્નર જૈને ખાસ કરીને AI અને ટોકેનાઈઝેશનની વધતી જટિલતા તરફ ઈશારો કર્યો છે. આ સિસ્ટમ્સમાં ઝડપ અને 'ઓપેસિટી' (પારદર્શિતાનો અભાવ) એટલી વધારે છે કે કોઈ ખામી સર્જાય તો માનવીય હસ્તક્ષેપ થાય તે પહેલાં જ મોટું નુકસાન થઈ શકે છે.
બેંકોની જવાબદારી અકબંધ
RBI એ સ્પષ્ટ કર્યું છે કે ભલે બેંકો પોતાની કામગીરી આઉટસોર્સ કરે, પરંતુ તેની સંપૂર્ણ જવાબદારી બેંકની જ રહેશે. ટેક પાર્ટનર્સના નામે બેંકો પોતાની ઓપરેશનલ જવાબદારીમાંથી હાથ ખંખેરી શકતી નથી.
રોકાણકારોએ શું જોવું?
આ ચેતવણી બાદ બેંકોએ મલ્ટી-ક્લાઉડ વ્યૂહરચના અને રિડન્ડન્ટ સિસ્ટમ્સમાં રોકાણ કરવું પડશે. તેનાથી બેંકોનો ઓપરેશનલ અને કેપિટલ ખર્ચ આગામી ક્વાર્ટર્સમાં વધી શકે છે. હવે રોકાણકારોએ RBI ના આગામી સર્ક્યુલર અને બેંકો દ્વારા IT ખર્ચ અંગેની મેનેજમેન્ટ કોમેન્ટ્રી પર ખાસ નજર રાખવી જોઈએ.
