Indian Railways એ ટ્રેનમાં મુસાફરોની શાંતિ જાળવવા અને સુરક્ષા માટે કડક નિયમો લાગુ કર્યા છે. હવે ટ્રેનમાં જોરથી લાઉડસ્પીકર કે મોબાઈલ પર મ્યુઝિક વગાડવા બદલ ₹1,000 સુધીનો દંડ અથવા 6 મહિનાની જેલની સજા થઈ શકે છે.
પેસેન્જરની સુવિધા માટે કડક અમલીકરણ
રેલવે પ્રશાસને ટ્રેનોમાં વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને એક નવું અભિયાન શરૂ કર્યું છે. ખાસ કરીને AC કોચમાં મુસાફરો દ્વારા મોટા અવાજે મોબાઈલ કે સ્પીકર વગાડવાની ફરિયાદો 'Rail Madad' એપ પર સતત મળી રહી હતી. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવેએ નિયમો કડક કર્યા છે, જેમાં દોષિતોને ₹1,000 નો દંડ અથવા 6 મહિના સુધીની કેદની સજા થઈ શકે છે.
ડ્રોન ઉડાડવા પર પણ રોક
માત્ર અવાજનું પ્રદૂષણ જ નહીં, પરંતુ રેલવે ટ્રેક અને સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડ્રોનના ઉપયોગથી ઓવરહેડ ઈલેક્ટ્રિકલ લાઈનો અને ટ્રેન સંચાલનમાં અવરોધ આવવાની શક્યતા રહેલી છે, જે સુરક્ષા માટે જોખમી બની શકે છે. આ નિર્ણય દ્વારા રેલવે પ્રશાસન પોતાની મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિલકતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે.
આ નિયમોનું પાલન કરાવવા માટે સધર્ન, નોર્ધન અને વેસ્ટર્ન રેલવે ઝોન સક્રિય થઈ ગયા છે. શરૂઆતમાં લોકોને જાગૃત કરવા પર ભાર મૂકવામાં આવશે, પરંતુ સુરક્ષા અને સેવાની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ રેલવે દ્વારા આપવામાં આવ્યો છે.
