નાના ડેમેજ કે સ્ક્રેચ માટે ઈન્સ્યોરન્સ ક્લેમ કરવો તમને લાંબા ગાળે મોંઘો પડી શકે છે. ક્લેમ લેવાથી તમે તમારી મહેનતથી કમાયેલી No-Claim Bonus (NCB) ગુમાવી શકો છો અને પ્રીમિયમ પણ વધી શકે છે.
ઘણા લોકો પોતાની ગાડી પરના નાના સ્ક્રેચ કે પાર્ટ્સ બદલાવવા માટે તરત જ ઈન્સ્યોરન્સ કંપની પાસે દોડી જાય છે, પરંતુ આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે No-Claim Bonus (NCB). જ્યારે તમે આખા વર્ષ દરમિયાન એક પણ ક્લેમ નથી કરતા, ત્યારે ઈન્સ્યોરન્સ કંપની તમને 20% થી લઈને 50% સુધીનું પ્રીમિયમ ડિસ્કાઉન્ટ આપે છે. જો તમે નાની રકમ માટે ક્લેમ કરો, તો તમે આ આખું ડિસ્કાઉન્ટ એક ઝાટકે ગુમાવી બેસો છો.
શું છે ગણિત?
ધારો કે તમારું વાર્ષિક પ્રીમિયમ ₹20,000 છે અને તમારી પાસે 50% NCB છે, તો તમે વર્ષે ₹10,000 બચાવો છો. હવે, જો કોઈ નાનું નુકસાન થાય જેનો ખર્ચ માત્ર ₹5,000 હોય અને તમે તે માટે ક્લેમ કરો, તો તમે ક્લેમના ₹3,000-4,000 તો મેળવશો પણ સાથે ₹10,000 નું NCB ડિસ્કાઉન્ટ ગુમાવશો. આ રીતે તમે સીધું મોટું આર્થિક નુકસાન વેઠો છો.
ડિડક્ટિબલ (Deductibles) નો ફટકો
દરેક ઈન્સ્યોરન્સ પોલિસીમાં એક 'કમ્પલસરી ડિડક્ટિબલ' હોય છે, એટલે કે રિપેરિંગના ખર્ચનો અમુક હિસ્સો (દા.ત. ₹2,000) તમારે પોતે ચૂકવવો પડે છે. જો રિપેરિંગ ₹5,000 હોય, તો કંપની તમને માત્ર ₹3,000 જ આપશે. આમ, ડિડક્ટિબલ અને NCB નું નુકસાન ગણીએ તો ક્લેમ લેવો આર્થિક રીતે બેવકૂફી સાબિત થાય છે.
એક્સપર્ટની સલાહ
ક્લેમ લેતા પહેલા હંમેશા 'બ્રેક-ઈવન એનાલિસિસ' કરો. જો રિપેરિંગનો ખર્ચ તમારી ડિડક્ટિબલ રકમ કરતા થોડો જ વધારે હોય, તો પોતાની ખિસ્સામાંથી ખર્ચ કરવો વધુ સમજદારીભર્યું છે. ક્લેમ ફાઈલ કરતા પહેલા વર્કશોપ પાસેથી અંદાજિત ખર્ચનું લિસ્ટ લો અને તમારી પોલિસીમાં મળતું NCB ડિસ્કાઉન્ટ તપાસો. તમારા મોટા નાણાકીય જોખમો માટે ઈન્સ્યોરન્સને બચાવી રાખવો એ જ સાચું ફાઈનાન્શિયલ પ્લાનિંગ છે.
