વારસાગત મિલકત વેચતી વખતે કેપિટલ ગેઈન્સ ટેક્સની ગણતરી કેવી રીતે કરવી તે સમજવું જરૂરી છે. ટેક્સની ગણતરી વારસામાં મળ્યા સમયની કિંમત પર નહીં, પરંતુ મૂળ ખરીદ કિંમત પર થાય છે.
ભારતમાં વારસામાં મળેલી મિલકત પર ટેક્સ નથી લાગતો, પરંતુ જ્યારે તમે તે મિલકત વેચો છો ત્યારે કેપિટલ ગેઈન્સ ટેક્સ (Capital Gains Tax) લાગુ પડે છે. ઘણીવાર લોકો ભૂલથી વારસામાં મળી ત્યારે જે માર્કેટ વેલ્યુ હોય તેને જ 'ખરીદ કિંમત' માની લે છે, જે આવકવેરાના નિયમો મુજબ ખોટું છે.
મૂળ કિંમતની ગણતરી કેવી રીતે કરવી?
ટેક્સના નિયમો મુજબ, તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશન (Cost of Acquisition) એ મૂળ માલિકે જે કિંમતે મિલકત ખરીદી હતી તે ગણાય છે. જો મિલકત 1 એપ્રિલ, 2001 પહેલાની હોય, તો તમે તે સમયની ફેર માર્કેટ વેલ્યુ (FMV) ને બેઝ પ્રાઈસ તરીકે લઈ શકો છો, જેનાથી ટેક્સનો બોજ ઘણો ઘટી જાય છે. આ માટે જૂના સેલ ડ્રીડ્સ (Sale Deeds) સાચવી રાખવા ખૂબ જરૂરી છે.
હોલ્ડિંગ પિરિયડ અને નવા ટેક્સ રેટ્સ
મિલકત રાખવાનો સમયગાળો નક્કી કરવા માટે જૂના માલિકના હોલ્ડિંગ પિરિયડને તમારા સમય સાથે જોડવામાં આવે છે. આને 'ટેકિંગ' (Tacking) કહેવાય છે. બજેટ 2024 પછીના નિયમો મુજબ:
- નવા નિયમ મુજબ 12.5% LTCG ટેક્સ (ઇન્ડેક્સેશન વગર).
- 23 જુલાઈ, 2024 પહેલાની પ્રોપર્ટી માટે તમે જૂના 20% ટેક્સ રેટ (ઇન્ડેક્સેશન સાથે) અથવા નવા 12.5% રેટમાંથી જે ઓછો ટેક્સ બને તે પસંદ કરી શકો છો.
TDS અને ટેક્સ બચાવવાની રીતો
જો સોદાની કિંમત ₹50 લાખથી વધુ હોય, તો ખરીદદારે 1% TDS કાપવો પડે છે. તમે સેક્શન 54 હેઠળ નવી રહેણાંક મિલકત ખરીદીને અથવા સેક્શન 54EC હેઠળ બોન્ડ્સમાં રોકાણ કરીને ટેક્સમાં મુક્તિ મેળવી શકો છો.
વારસદારો માટે ખાસ ટિપ્સ
જો મિલકતના એકથી વધુ વારસદાર હોય, તો દરેક વ્યક્તિએ પોતાના હિસ્સા પ્રમાણે કેપિટલ ગેઈન્સ ગણીને ITR માં દર્શાવવું પડે છે. વિવાદો ટાળવા માટે વિલ (Will) અથવા સક્સેસન સર્ટિફિકેટ જેવા તમામ કાયદેસરના દસ્તાવેજો તૈયાર રાખવા હિતાવહ છે.
