RBI એ ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સના વેચાણ માટે નવા ગાઈડલાઈન્સ જાહેર કર્યા છે. જાન્યુઆરી 2027 થી 'ડાર્ક પેટર્ન્સ' પર પ્રતિબંધ અને સુટેબિલિટી અસેસમેન્ટ ફરજિયાત બનશે, જેથી રોકાણકારોને છેતરપિંડીથી બચાવી શકાય.
ભારતીય નાણાકીય બજારમાં રોકાણકારો સાથે થતી છેતરપિંડી અને મિસ-સેલિંગને અટકાવવા માટે RBI એ કમર કસી છે. આ નવા નિયમો 31 ડિસેમ્બર, 2026 સુધીમાં તમામ સંસ્થાઓએ લાગુ કરવાના રહેશે અને 1 જાન્યુઆરી, 2027 થી તે પૂર્ણપણે અમલી બની જશે. નવા ફ્રેમવર્ક મુજબ, જો કોઈ કર્મચારી કે એજન્ટ ખોટી રીતે પ્રોડક્ટ વેચશે, તો તેની સીધી જવાબદારી સંસ્થાની રહેશે. આ સ્થિતિમાં સંસ્થાએ ગ્રાહકને સંપૂર્ણ રિફંડ અને થયેલા નુકસાનનું વળતર ચૂકવવું પડશે.
શું બદલાશે?
- ડાર્ક પેટર્ન્સ પર પ્રતિબંધ: ડિજિટલ માધ્યમથી થતી એવી ગેરમાર્ગે દોરતી ડિઝાઇન જે ગ્રાહકોને અજાણતા નાણાકીય જોખમમાં મૂકે છે, તેના પર હવે લગામ કસાશે.
- સુટેબિલિટી ટેસ્ટ: કોઈપણ પ્રોડક્ટ વેચતા પહેલા ગ્રાહકના રિસ્ક પ્રોફાઈલ અને નાણાકીય લક્ષ્યો સાથે તે સુસંગત છે કે નહીં, તે તપાસવું હવે ફરજિયાત રહેશે.
- ફોર્સ્ડ બંડલિંગ પર રોક: લોન સાથે બિનજરૂરી વીમો કે અન્ય પ્રોડક્ટ્સ લાદવાની પ્રેક્ટિસ હવે બંધ કરવી પડશે.
રોકાણકારો માટે સલાહ
રેગ્યુલેટર્સ SEBI અને IRDAI પણ સતત ચેતવણી આપે છે કે કોઈ પણ પેપર પર સહી કરતા પહેલા બારીકાઈથી વાંચવું. જો તમારી સાથે મિસ-સેલિંગ થયું હોય, તો તમારી પાસેના પુરાવાઓ જેવા કે સેલ્સમેનનું નામ, તારીખ અને માર્કેટિંગ મટીરિયલ સાચવી રાખવા. વીમા સંબંધિત ફરિયાદો માટે Bima Bharosa પોર્ટલ અને શેરબજાર માટે SCORES પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો.
