PPF (Public Provident Fund) એકાઉન્ટના 15 વર્ષ પૂરા થવા એટલે રોકાણનો મોટો પડાવ, પરંતુ તમારે એકાઉન્ટ બંધ કરવાની જરૂર નથી. તમારી પાસે પૈસા ઉપાડવા, નવા રોકાણ વગર વ્યાજ મેળવવાનું ચાલુ રાખવું અથવા 5-5 વર્ષના બ્લોકમાં ટેન્યોર વધારવાના વિકલ્પો ઉપલબ્ધ છે.
15 વર્ષનો સમયગાળો પૂર્ણ થવો એ લાંબા ગાળાના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એક મોટું પગલું છે. ઘણા રોકાણકારોને લાગે છે કે 15 વર્ષ પૂરા થતાં જ PPF એકાઉન્ટ બંધ કરવું ફરજિયાત છે, પરંતુ હકીકતમાં સરકાર તમને તમારી જરૂરિયાત મુજબ ત્રણ અલગ રસ્તા આપે છે.
૧. ફૂલ વિડ્રોઅલ (Full Withdrawal)
જો તમને ઘર ખરીદવા, બાળકોના શિક્ષણ અથવા દેવું ચૂકવવા માટે તાત્કાલિક મોટા ફંડની જરૂર હોય, તો તમે એકાઉન્ટ બંધ કરીને તમારી તમામ રકમ (Principal + Interest) ઉપાડી શકો છો. આ સાથે જ તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની પૂર્ણ થાય છે.
૨. નવા રોકાણ વગર એકાઉન્ટ ચાલુ રાખવું (Retention Without New Contributions)
જો તમને અત્યારે પૈસાની જરૂર નથી પણ તમે દર વર્ષે નવા રોકાણની મગજમારી કરવા માંગતા નથી, તો તમે એકાઉન્ટ એમ જ ચાલુ રાખી શકો છો. આ સ્થિતિમાં, તમારા જમા બેલેન્સ પર વર્તમાન સરકાર દ્વારા નિર્ધારિત દર (7.1%) મુજબ વ્યાજ મળતું રહેશે. તમે વર્ષમાં એક વાર આંશિક રકમ ઉપાડવાની સુવિધા પણ મેળવી શકો છો.
૩. નવા રોકાણ સાથે એક્સટેન્શન (Extension with Fresh Contributions)
જે લોકો લાંબા ગાળાનું વેલ્થ ક્રિએશન કરવા માંગે છે, તેઓ 5-5 વર્ષના બ્લોકમાં પોતાનું એકાઉન્ટ લંબાવી શકે છે. આ માટે તમારે મેચ્યોરિટીના 1 વર્ષની અંદર Form 4 સબમિટ કરવું પડે છે. આ રીતે તમે તમારી રોકાણની મર્યાદા મુજબ દર વર્ષે નવા પૈસા જમા કરવાનું ચાલુ રાખી શકો છો.
રોકાણકારો માટે ચેતવણી
PPF ટેક્સ-ફ્રી (EEE) હોવા છતાં, તમારે કેટલીક બાબતો યાદ રાખવી જોઈએ:
- વ્યાજ દર: ભારત સરકાર દર ત્રિમાસિક ગાળે વ્યાજ દરોની સમીક્ષા કરે છે, તેથી રિટર્ન ફિક્સ નથી.
- મોંઘવારી: PPF સુરક્ષિત છે, પરંતુ તેની સામે મળતું 7.1% વ્યાજ હંમેશા મોંઘવારીને પછાડવામાં સક્ષમ ન પણ હોય. તેથી, જો તમારી પાસે વધુ સારું રિસ્ક-રિવોર્ડ ધરાવતું રોકાણ હોય, તો તે મુજબ નિર્ણય લેવો હિતાવહ છે.
