જો તમે એકસાથે બે અલગ-અલગ જગ્યાએ નોકરી કરી રહ્યા હોવ, તો બંને જગ્યાએ એક જ Universal Account Number (UAN) નો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આનાથી તમારા બંને એમ્પ્લોયર તરફથી મળતું ફંડ એક જ જગ્યાએ જમા થશે અને ભવિષ્યમાં પેન્શન કે ટ્રાન્સફર મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.
આજના સમયમાં મલ્ટીપલ જોબ્સ કે 'સાઇડ હસલ'નો ટ્રેન્ડ વધ્યો છે, પરંતુ ઘણા કર્મચારીઓ પોતાની રિટાયરમેન્ટ સેવિંગ્સને લઈને ભૂલ કરી બેસે છે. Employees’ Provident Fund Organisation (EPFO) ના નિયમ મુજબ, એક કર્મચારી માટે આખા કરિયર દરમિયાન માત્ર એક જ UAN હોવું જોઈએ. ઘણીવાર લોકો એવું માને છે કે બીજી નોકરી માટે નવું એકાઉન્ટ ખોલવું પડશે, પરંતુ આમ કરવાથી તમારી જ જમા મૂડી પર મોટું જોખમ ઊભું થઈ શકે છે.
UAN કેમ માસ્ટર એકાઉન્ટ છે?
જ્યારે તમે બે કંપનીમાં એકસાથે કામ કરો છો, ત્યારે બંને એમ્પ્લોયર તમારા પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન આપવા માટે બંધાયેલા છે. ભલે દરેક કંપનીનો Member ID અલગ હોય, પણ તે બધા એક જ UAN સાથે લિંક હોવા જોઈએ. નવી કંપનીમાં જોડાતી વખતે જૂનું UAN આપવું એ તમારી જવાબદારી છે, જેથી કરીને ડુપ્લીકેટ એકાઉન્ટ બનતું અટકે.
ડુપ્લીકેટ એકાઉન્ટના ગેરફાયદા
જો તમે અલગ-અલગ UAN રાખશો, તો સિસ્ટમમાં તમારો ડેટા વેરિફાય કરવામાં સમસ્યા આવશે. ખાસ કરીને જ્યારે તમે ફંડ ટ્રાન્સફર કરવા માંગતા હોવ અથવા પેન્શન ક્લેમ કરવાનું હોય, ત્યારે એકાઉન્ટ્સ મર્જ ન થવાને કારણે પૈસા ફસાઈ શકે છે. જો તમારી પાસે અત્યારે પણ એકથી વધુ UAN છે, તો તમે EPFO ના સત્તાવાર પોર્ટલ પર જઈને તેને મર્જ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન:
- ડેટા વેરિફિકેશન: તમારા UAN સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો નંબર એકસરખો હોવો જોઈએ, જેથી OTP વેરિફિકેશનમાં ભૂલ ન થાય.
- એક્ઝિટ ડેટ: જ્યારે તમે કોઈ એક નોકરી છોડો, ત્યારે એમ્પ્લોયર પાસે તેની 'Date of Exit' અપડેટ કરાવો, જેથી ફંડનું યોગદાન તે એકાઉન્ટ માટે બંધ થઈ જાય અને પેન્શનની ગણતરી સચોટ રહે.
- નિયમિત તપાસ: તમારી EPF પાસબુક સમયાંતરે ચેક કરતા રહો, જેથી ખાતરી કરી શકાય કે તમામ એમ્પ્લોયરનું યોગદાન એક જ એકાઉન્ટમાં જમા થઈ રહ્યું છે.
