Delhi ITAT એ એક મહત્વના નિર્ણયમાં ટેક્સપેયર પર લાદવામાં આવેલી **₹3.74 લાખ** ની પેનલ્ટી રદ કરી છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું છે કે જો ટેક્સ TDS દ્વારા પહેલેથી જ ભરાઈ ગયો હોય અને આવક જાહેર હોય, તો માત્ર વિલંબ માટે પેનલ્ટી ન લાદી શકાય.
શું હતો મામલો?
આ સમગ્ર વિવાદ એસેસમેન્ટ યર 2019-20 નો છે. ટેક્સપેયર પ્રવેશ અગ્રવાલને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR સમયસર ન ફાઈલ કરવા બદલ ₹3.74 લાખ ની પેનલ્ટી ફટકારી હતી. નાણાકીય વર્ષ 2018-19 માં તેમની સેલરી ₹30 લાખથી વધુ હતી, પરંતુ ફોર્મ 16 મળવામાં મોડું થવાને કારણે તેઓ સમયસર રિટર્ન ભરી શક્યા નહોતા. ટેક્સપેયરને એમ હતું કે તેમનો ટેક્સ TDS દ્વારા પહેલેથી જ કપાઈ ગયો હોવાથી અને તે Form 26AS માં દેખાતો હોવાથી અલગથી કોઈ કાર્યવાહીની જરૂર નથી.
ITAT એ શું અવલોકન કર્યું?
ITAT ની બેન્ચે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 270A(2) હેઠળ 'અન્ડર-રિપોર્ટિંગ' (Under-reporting) ની વ્યાખ્યા તપાસી હતી. ટ્રિબ્યુનલના સભ્યો અનુભવ શર્મા અને મનીષ અગ્રવાલે નોંધ્યું કે, 'અન્ડર-રિપોર્ટિંગ' ત્યારે જ ગણાય જો ટેક્સપેયરે વાસ્તવિક આવક કરતાં ઓછી આવક દર્શાવી હોય. આ કેસમાં, ટેક્સપેયરે જે આવક જાહેર કરી હતી તે TDS રેકોર્ડ્સ સાથે મેળ ખાતી હતી. કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે આવક છુપાવવાનો ઈરાદો ન હોવાથી, પેનલ્ટીને અતાર્કિક ગણવામાં આવી હતી.
ટેક્સપેયર્સ માટે શીખ
આ ચુકાદો ટેક્સપેયર્સ માટે રાહતરૂપ છે, પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે કે ITR ફાઈલિંગ એ કાયદાકીય ફરજ છે. માત્ર TDS કપાત થઈ ગઈ હોય તે કારણસર રિટર્ન ફાઈલ કરવાનું ટાળવું જોઈએ નહીં. Form 26AS એ ITR ભરવાનો વિકલ્પ નથી, અને સમયસર ફાઈલિંગ ન કરવાથી કાનૂની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
