વધારાના નાણાંથી હોમ લોન વહેલી ભરપાઈ કરવી કે ઈમરજન્સી ફંડ તરીકે રાખવા? આ નિર્ણય તમારી નાણાકીય સ્થિતિ અને ટેક્સ આયોજન પર નિર્ભર કરે છે. ચાલો જાણીએ કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ છે.
જ્યારે તમારી પાસે વધારાના નાણાં હોય, ત્યારે પ્રશ્ન થાય છે કે હોમ લોન વહેલી ચૂકવવી કે તેને બેંકમાં રાખવી. આ નિર્ણય તમારા પર્સનલ ફાઇનાન્શિયલ ગોલ અને સુરક્ષા પર આધાર રાખે છે.
લોન પ્રીપેમેન્ટના ફાયદા
હોમ લોન લાંબા ગાળાની હોવાથી શરૂઆતના વર્ષોમાં વ્યાજનો બોજ વધુ હોય છે. જો તમે પ્રિન્સિપલ અમાઉન્ટમાં વધારાની રકમ જમા કરો છો, તો તેનાથી લોનની મુદત ઘટે છે અને લાંબા ગાળે વ્યાજમાં મોટી બચત થાય છે. ધ્યાનમાં રાખો કે તમારે લોનનો સમયગાળો ઘટાડવા પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે EMI ઘટાડવા પર.
ઈમરજન્સી ફંડનું મહત્વ
જીવનમાં અણધાર્યા ખર્ચાઓ ગમે ત્યારે આવી શકે છે. જો તમે તમારી બધી બચત લોન ભરપાઈમાં વાપરી નાખો, તો મુશ્કેલીના સમયે હાથ પર રોકડ રકમ નહીં રહે. નવી લોન લેવી મોંઘી પડી શકે છે, તેથી ઈમરજન્સી ફંડ એ તમારું સુરક્ષા કવચ છે.
ટેક્સ અને અન્ય પાસાઓ
જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ સેક્શન 24(b) મુજબ હોમ લોનના વ્યાજ પર ₹2 લાખ સુધીની કપાત મળે છે. જો તમે નવી ટેક્સ સિસ્ટમમાં છો, તો આ લાભ નહીં મળે. નિર્ણય લેતા પહેલા તમારા ટેક્સ બ્રેકેટ અને અસરકારક વ્યાજ દરની ગણતરી કરો. સાથે જ, બેંકના લોન એગ્રીમેન્ટ તપાસો કે પ્રીપેમેન્ટ પર કોઈ પેનલ્ટી તો નથી ને, જોકે મોટાભાગની ફ્લોટિંગ રેટ લોન પર હવે કોઈ ચાર્જ નથી લાગતો.
અંતિમ સલાહ
સૌથી શ્રેષ્ઠ અભિગમ એ છે કે સંતુલન જાળવવું. તમે લોનનો અમુક હિસ્સો ભરીને વ્યાજ બચાવી શકો છો અને સાથે જ એક પૂરતું ઈમરજન્સી ફંડ પણ મેન્ટેન કરી શકો છો.
