ક્રેડિટ કાર્ડ વાપરવામાં જેટલું સરળ લાગે છે, તેટલું જ તે આર્થિક રીતે ખર્ચાળ સાબિત થઈ શકે છે. હાઈ-ઈન્ટરેસ્ટ ટ્રેપ્સ અને વધારાના ચાર્જીસ તમારી બચતને નુકસાન પહોંચાડે છે.
આજે ક્રેડિટ કાર્ડ રોજિંદા વ્યવહારનું મુખ્ય સાધન બની ગયું છે, પરંતુ તેની સુવિધા પાછળ અનેક આર્થિક જોખમો છુપાયેલા હોય છે. જો તમે સાવધાની ન રાખો તો, માત્ર 'મિનિમમ ડ્યુ' ચૂકવવાની આદત કે વારંવાર કેશ ઉપાડવાની ટેવ તમારા દેવાને વધારી શકે છે.
મિનિમમ ડ્યુની ભૂલ અને વ્યાજનું ચક્ર
ઘણા લોકો માને છે કે માત્ર મિનિમમ અમાઉન્ટ પેમેન્ટ કરવું પૂરતું છે, પરંતુ આ સૌથી મોટો ગેરસમજ છે. આમ કરવાથી તમે 'ગ્રેસ પિરિયડ' ગુમાવો છો અને તમારી નવી ખરીદીઓ પર પણ વ્યાજ લાગવાનું શરૂ થાય છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડનું વાર્ષિક વ્યાજ 36% થી 42% સુધી હોઈ શકે છે, જે તમારા દેવાને ખૂબ ઝડપથી વધારી દે છે.
ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયોનું મહત્વ
તમારી કુલ ક્રેડિટ લિમિટના 30% થી વધુનો ઉપયોગ કરવો તમારા ક્રેડિટ સ્કોર માટે નુકસાનકારક છે. બેંકો અને ક્રેડિટ બ્યુરો એવા ગ્રાહકોને પ્રાથમિકતા આપે છે જેઓ પોતાની ક્રેડિટ લિમિટ પર નિયંત્રણ રાખે છે. ઉંચો યુટિલાઈઝેશન રેશિયો ભવિષ્યમાં હોમ કે વ્હીકલ લોન લેતી વખતે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
અન્ય છુપાયેલા ખર્ચ
- ATM કેશ વિડ્રોઅલ: ક્રેડિટ કાર્ડથી રોકડ ઉપાડતા જ પ્રથમ દિવસથી વ્યાજ લાગુ પડે છે, સાથે ફ્લેટ ફી અને GST પણ લાગે છે.
- ફોરેક્સ માર્કઅપ: વિદેશી વ્યવહારો પર 1.5% થી 3.5% સુધીની ફી લાગે છે, જેના પર વધારાનો 18% GST ઉમેરાતા લાભ કરતા નુકસાન વધુ થાય છે.
- EMI ના છટકાં: EMI પર સામાન લેતી વખતે ડિસ્કાઉન્ટનો લાભ જતો રહે છે અને વ્યાજ ઉપરાંત GST પણ ભરવો પડે છે.
ટૂંકમાં, ક્રેડિટ કાર્ડને ક્યારેય તમારી આવકનો હિસ્સો ન ગણતા, તેને માત્ર પેમેન્ટ ટૂલ તરીકે વાપરવું જોઈએ.
