નિયમિત માસિક પગાર વગર ફાઈનાન્સ મેનેજ કરવું પડકારજનક હોઈ શકે છે. ફિક્સ્ડ પ્લાનને બદલે ફ્લેક્સિબલ એપ્રોચ અને મોટો ઈમરજન્સી ફંડ બનાવીને તમે લાંબા ગાળાની સંપત્તિ કેવી રીતે બનાવી શકો, તે અહીં જાણો.
ભારતમાં ઘણા ફ્રીલાન્સર્સ, કન્સલ્ટન્ટ્સ અને બિઝનેસ માલિકો માટે પરંપરાગત ફાઈનાન્શિયલ પ્લાનિંગ કામ નથી આવતું, કારણ કે તેમનો પગાર કે આવક નક્કી નથી હોતી. જ્યારે આવક મહીને-મહીને ફિક્સ ન આવતી હોય, ત્યારે SIP જેવી ફિક્સ્ડ કમિટમેન્ટ્સ ક્યારેક આર્થિક તાણ ઊભી કરી શકે છે. આવા સમયે મંથલી સાયકલને બદલે ફ્લેક્સિબલ એન્યુઅલ ટાર્ગેટ રાખવો વધુ હિતાવહ છે.
ઈમરજન્સી ફંડનું મહત્વ
જેમની પાસે ફિક્સ સેલરી નથી, તેમને વધુ સુરક્ષાની જરૂર છે. સામાન્ય રીતે લોકો ૬ મહિનાનો ખર્ચ ઈમરજન્સી ફંડ તરીકે રાખે છે, પરંતુ ફ્રીલાન્સર્સે ૯ થી ૧૨ મહિનાનો ખર્ચ કવર થાય તેટલું લિક્વિડ ફંડ રાખવું જોઈએ. આનાથી માર્કેટમાં જ્યારે પણ કરેક્શન આવે, ત્યારે તમારે રોકાણ કરેલા શેર કે અન્ય એસેટ્સને ગભરાઈને વેચવાની જરૂર નહીં પડે.
શિસ્તબદ્ધ એસેટ એલોકેશન
ઘણીવાર મોટી આવક આવે ત્યારે રોકાણકારો આવેગમાં આવીને કોઈ પણ જગ્યાએ પૈસા રોકી દે છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આનાથી બચવા માટે ઈક્વિટી, ડેટ અને ગોલ્ડ વચ્ચે એક નિશ્ચિત રેશિયો નક્કી કરી લો. જ્યારે પણ પેમેન્ટ મળે, ત્યારે તે નક્કી કરેલા રેશિયો મુજબ જ રોકાણ કરવું, જેથી ઈમોશનલ નિર્ણય લેવાનું ટાળી શકાય.
પોર્ટફોલિયોને સરળ રાખો
પોતાના પોર્ટફોલિયોને જટિલ ન બનાવો. પેસિવ ઇન્ડેક્સ ફંડ્સ, લો-ડ્યુરેશન ડેટ ફંડ્સ અને ગોલ્ડ ETFs જેવા પારદર્શક વિકલ્પો પસંદ કરો. મુખ્ય બાબત એ છે કે તમારા કેશ ફ્લો પેટર્નને સમજો. પહેલા સુરક્ષિત બફર બનાવો અને ત્યારબાદ નિયમિત રોકાણની પ્રક્રિયા ચાલુ રાખો.
