જો તમે કાર લોનના EMI ભરવામાં ચૂકી ગયા હોવ, તો બેંકોને ગાડી જપ્ત કરવાનો અધિકાર છે, પરંતુ આ માટે તેમણે RBI ની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે. બેંકો ક્યારેય બળજબરી કે ધમકી આપી શકતી નથી.
જ્યારે કોઈ ગ્રાહક કાર લોનના હપ્તા ભરવામાં નિષ્ફળ જાય, ત્યારે બેંક પાસે ગાડી જપ્ત કરવાનો કાયદેસરનો હક હોય છે કારણ કે કાર પોતે જ એક કોલેટરલ (Collateral) તરીકે ગણાય છે. જોકે, આ રિકવરી પ્રોસેસ મનસ્વી રીતે ન થઈ શકે. તમામ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સે Reserve Bank of India (RBI) દ્વારા નક્કી કરવામાં આવેલા કડક નિયમો અને લોન એગ્રીમેન્ટની શરતોનું પાલન કરવું પડે છે.
વ્હીકલ રિકવરીની કાયદેસરની પ્રક્રિયા
RBI ની ગાઈડલાઈન મુજબ, ગાડી જપ્ત કરતા પહેલા બેંકે પારદર્શક પ્રક્રિયા અપનાવવી પડે છે. જેમાં ગ્રાહકને પ્રોપર નોટિસ મોકલવી અને બાકી રકમ ભરવા માટે એક ચોક્કસ ગ્રેસ પિરિયડ (Grace Period) આપવો ફરજિયાત છે. બેંક કે રિકવરી એજન્ટ કોઈ પણ પૂર્વ ચેતવણી વગર અચાનક આવીને ગાડી ઉઠાવી ન શકે.
દાદાગીરી સામે રક્ષણ
ઘણા લોકોને એવી ગેરસમજ હોય છે કે રિકવરી એજન્ટ ગમે તે રીતે ગાડી લઈ શકે છે, જે સંપૂર્ણપણે ખોટું છે. સુપ્રીમ કોર્ટ અને RBI બંને સ્પષ્ટપણે જણાવે છે કે રિકવરી એજન્ટ દ્વારા શારીરિક બળપ્રયોગ, ધમકી કે જાહેર સ્થળે અપમાન કરવું ગુનો છે. જો કોઈ એજન્ટ આવી હરકત કરે, તો તમે બેંકના ગ્રીવન્સ સેલ (Grievance Cell) માં ફરિયાદ કરી શકો છો. જો ત્યાં ઉકેલ ન આવે, તો તમે સીધા RBI Ombudsman નો સંપર્ક કરી શકો છો.
ગાડી આપી દેવાથી લોન પૂરી નથી થતી
ઘણા લોકો વિચારે છે કે ગાડી બેંકને સોંપી દેવાથી લોનનો વિવાદ પૂરો થઈ ગયો, પણ આ સત્ય નથી. બેંક ગાડી વેચીને બાકી નીકળતી રકમ વસૂલશે, પણ જો ગાડી વેચ્યા પછી પણ લોનની રકમ બાકી રહેતી હોય (Deficiency Claim), તો તે ચૂકવવાની જવાબદારી પણ તમારી જ રહે છે. તેથી, નોટિસને અવગણવાને બદલે બેંક સાથે વાતચીત કરીને લોન રિસ્ટ્રક્ચરિંગ (Restructuring) કરાવવું વધુ સમજદારીભર્યું છે.
