Public Provident Fund (PPF) માં જમા રકમને સામાન્ય રીતે કાયદાકીય સુરક્ષા મળે છે, જેથી ટેક્સ અધિકારીઓ બાકી ટેક્સની વસૂલાત માટે તેને જપ્ત કરી શકતા નથી. જોકે, આ પ્રોટેક્શનનો અર્થ એ નથી કે તમારી ટેક્સ જવાબદારી ખતમ થઈ ગઈ છે.
ઘણા ભારતીય રોકાણકારો માટે Public Provident Fund (PPF) એ રિટાયરમેન્ટ પ્લાનિંગનો પાયો છે. માત્ર ટેક્સ-ફ્રી વ્યાજ જ નહીં, પરંતુ તેની સુરક્ષાને કારણે પણ તે ખૂબ લોકપ્રિય છે. જોકે, ટેક્સ વિવાદોનો સામનો કરી રહેલા કરદાતાઓ માટે એક મોટો પ્રશ્ન એ છે કે શું આ જમા રકમને જપ્ત કરવામાં આવી શકે છે?
PPF ને મળતું કાયદાકીય કવચ
વર્તમાન કાયદાઓ મુજબ, PPF ડિપોઝિટને Income Tax Department દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે ટાર્ગેટ કરી શકાતી નથી. આ સુરક્ષા 'Government Savings Promotion Act' હેઠળ મળેલી છે. ગુજરાત હાઈકોર્ટે પણ અગાઉના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે PPF બેલેન્સને ટેક્સ રિકવરી ઓફિસર જપ્ત કરી શકતા નથી, કારણ કે તે નિવૃત્તિ માટેની સુરક્ષિત બચત માનવામાં આવે છે.
શું તમારી ટેક્સ જવાબદારી ખતમ થાય છે?
આ એક મોટી ભૂલ છે કે તમે PPF ના ઓથા હેઠળ ટેક્સ ભરવાથી બચી શકો છો. PPF ખાતામાં પડેલા પૈસા સુરક્ષિત છે, પરંતુ તમારી ટેક્સ જવાબદારી કાયમ રહે છે. અધિકારીઓ પાસે તમારી અન્ય મિલકતો જેવી કે સેવિંગ્સ એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ કે પ્રોપર્ટી દ્વારા બાકી ટેક્સ વસૂલવાની સંપૂર્ણ સત્તા છે.
પૈસા ઉપાડતી વખતે રાખો સાવધાની (Withdrawal Trap)
ધ્યાન રાખો કે કાયદાકીય સુરક્ષા માત્ર PPF એકાઉન્ટ પૂરતી જ મર્યાદિત છે. જેવું તમે PPF માંથી પૈસા ઉપાડીને તમારા સામાન્ય બેંક એકાઉન્ટમાં જમા કરાવો છો, તે રકમની સુરક્ષા સમાપ્ત થઈ જાય છે. એકવાર પૈસા તમારા બેંક ખાતામાં આવે, પછી ટેક્સ અધિકારીઓ તેને બાકી ટેક્સ વસૂલવા માટે સરળતાથી જપ્ત કરી શકે છે.
ટેક્સ વિવાદનું સમાધાન
નિષ્ણાતો સલાહ આપે છે કે જો તમને ટેક્સ નોટિસ મળી હોય, તો PPF પ્રોટેક્શનના ભરોસે બેસી રહેવાને બદલે સત્તાવાર અપીલ ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ. ટેક્સ નોટિસને અવગણવાથી તમારી અન્ય સંપત્તિઓ ફ્રીઝ થઈ શકે છે, જે મોટા નાણાકીય સંકટ નોતરી શકે છે.
