ભારતમાં લગભગ **26.43 મિલિયન કિલોલીટર** નિષ્ક્રિય ફેર્મન્ટેશન ક્ષમતાની ઓળખ કરવામાં આવી છે, જેનો ઉપયોગ સ્માર્ટ પ્રોટીન બનાવવા માટે થઈ શકે છે. આ વ્યૂહરચના દ્વારા કંપનીઓ મોટો કેપિટલ ખર્ચ બચાવી શકે છે.
ભારત પાસે હવે એક એવી ઔદ્યોગિક સંપત્તિ છે જે ગ્લોબલ સ્માર્ટ પ્રોટીન માર્કેટમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. 'ગુડ ફૂડ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા' અને 'સથગુરુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ'ના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં કુલ 198 મિલિયન કિલોલીટરનું વિશાળ ફેર્મન્ટેશન નેટવર્ક છે, જેનો ઘણો મોટો હિસ્સો હાલમાં ઉપયોગમાં નથી.
જૂની સુવિધાઓનો નવો ઉપયોગ (Repurposing)
સ્માર્ટ પ્રોટીન સેક્ટરમાં નવી ફેક્ટરીઓ બનાવવા માટે ખૂબ જ મોટા મૂડી રોકાણની જરૂર પડે છે, જે નવા ખેલાડીઓ માટે મોટો અવરોધ છે. હવે કંપનીઓ બાયોફાર્મા અને એન્ઝાઇમ ક્ષેત્રના નિષ્ક્રિય પ્લાન્ટ્સને રિટ્રોફિટ (Retrofit) કરીને સ્માર્ટ પ્રોટીન પ્રોડક્શન શરૂ કરી શકે છે. આનાથી માત્ર જગ્યાનો જ નહીં, પરંતુ બાયોરિએક્ટર અને મશીનરી જેવા ટેકનિકલ પાયાનો પણ મહત્તમ ઉપયોગ થઈ શકશે.
રિપોર્ટ મુજબ, નિષ્ક્રિય પ્રિસિઝન ફેર્મન્ટેશન ક્ષમતાના માત્ર 20% નો ઉપયોગ કરીને પણ વર્ષ 2025 માટે લેક્ટોફેરિનની વૈશ્વિક માંગ પૂરી કરી શકાય તેમ છે. આ પહેલ ભારત સરકારની BioE3 પોલિસી (2024) અને NITI Aayogના 2035 રોડમેપ સાથે સુસંગત છે.
રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું?
આ ક્ષેત્રમાં તકો તો ઘણી છે, પરંતુ પડકારો પણ ઓછા નથી. ફૂડ-ગ્રેડ પ્રોડક્શન માટે પ્લાન્ટ્સને રિટ્રોફિટ કરવા, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું પાલન કરવું અને સરકારી મંજૂરી મેળવવી એ લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા છે. આ ઉપરાંત, વિદેશી સાધનોની આયાત પર નિર્ભરતા અને સ્માર્ટ પ્રોટીનની કિંમતને સામાન્ય પ્રોટીન સોર્સ જેટલી સ્પર્ધાત્મક બનાવવી એ મોટી કસોટી રહેશે. રોકાણકારોએ હવે પ્રોજેક્ટ શરૂ થવાની ગતિ અને કંપનીઓના ડેબ્ટ લેવલ પર ખાસ નજર રાખવી જોઈએ.
