Hyderabad Police એ એક નવા પ્રકારના WhatsApp ફ્રોડ અંગે ચેતવણી જાહેર કરી છે. અજાણ્યા નંબર પરથી આવતા ફેક ડેબિટ મેસેજમાં જો તમે 'NO' લખીને રિપ્લાય આપ્યો, તો તમારા ફોનમાં રહેલા બેન્કિંગ એપ્સનો એક્સેસ સ્કેમર્સને મળી શકે છે.
શું છે આ નવો ખતરો?
સાયબર ગુનેગારો હવે નવા તરીકા અપનાવી રહ્યા છે. તમને અજાણ્યા નંબર પરથી મેસેજ આવશે કે તમારા ખાતામાંથી અમુક રકમ કપાઈ ગઈ છે. આ મેસેજમાં લખ્યું હશે કે 'જો આ ટ્રાન્ઝેક્શન તમે નથી કર્યું, તો NO લખીને રિપ્લાય આપો'. જેવું તમે 'NO' ટાઈપ કરીને મોકલશો, મેસેજમાં છુપાયેલું ઓટોમેટેડ માલવેર સ્ક્રીપ્ટ એક્ટિવેટ થઈ જશે.
કેવી રીતે બચશો?
આ માલવેર તમારા મોબાઈલના સુરક્ષા કવચને તોડીને સીધો બેન્કિંગ એપ્લિકેશનનો કંટ્રોલ મેળવી શકે છે. યાદ રાખો કે કોઈપણ ઓરિજિનલ બેંક ક્યારેય WhatsApp દ્વારા ટ્રાન્ઝેક્શનની પુષ્ટિ કરતી નથી. જો તમને આવો કોઈ મેસેજ આવે તો:
- તરત જ નંબરને Block કરી દો.
- મેસેજ થ્રેડને Delete કરી દો.
- કોઈપણ શંકાસ્પદ લિંક કે મેસેજ પર રિપ્લાય ન આપો.
જો ફ્રોડનો ભોગ બનો તો શું કરવું?
જો તમને લાગે કે તમારું ડિવાઈસ કોમ્પ્રોમાઈઝ થયું છે, તો ગભરાયા વગર તરત જ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો. વહેલી જાણકારી તમારા પૈસાને વિવિધ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થતા અટકાવવામાં મદદ કરી શકે છે. કોઈપણ વ્યવહારની ચકાસણી માટે માત્ર બેંકની સત્તાવાર એપ્લિકેશન કે હેલ્પલાઈનનો જ ઉપયોગ કરવો.
