બાંગ્લાદેશમાં વેતન વધારાને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે અંદાજે **670** ગાર્મેન્ટ ફેક્ટરીઓએ કામગીરી સ્થગિત કરી દીધી છે. આ ગંભીર વિક્ષેપ ગ્લોબલ સપ્લાય ચેઈનને અસર કરી શકે છે, જેનાથી ભારત સહિતના અન્ય દેશોને ફાયદો થવાની શક્યતા છે.
બાંગ્લાદેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 3 નવેમ્બર, 2026 ના રોજ મોટું સંકટ સર્જાયું છે. ઢાકા, ગાઝીપુર, અશુલિયા અને મેમનસિંગ જેવા મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં લગભગ 670 ગાર્મેન્ટ ફેક્ટરીઓએ કામકાજ બંધ કરી દીધું છે. કામદારોની મુખ્ય માંગ મિનિમમ મંથલી વેતન 12,500 ટાકાથી વધારીને 30,000 ટાકા કરવાની છે. મોંઘવારીના કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સપ્લાય ચેઈન પર મોટી અસર
બાંગ્લાદેશનું ગાર્મેન્ટ સેક્ટર દેશની કુલ નિકાસ આવકમાં 80% થી વધુ ફાળો આપે છે. H&M, Zara, Gap અને Primark જેવી દિગ્ગજ ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ અહીંથી જ મોટા પાયે સોર્સિંગ કરે છે. હાલમાં પીક પ્રોડક્શન સીઝન ચાલી રહી હોવાથી આ ફેક્ટરીઓ બંધ થવાથી સ્પ્રિંગ અને સમર ઈન્વેન્ટરીની ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે.
શું ભારતને મળી શકે છે તક?
આ સ્થિતિને કારણે ગ્લોબલ બાયર્સ હવે 'પ્લસ-વન' સોર્સિંગ સ્ટ્રેટેજી અપનાવી શકે છે. જો બાંગ્લાદેશમાં અનિશ્ચિતતા લાંબો સમય ચાલશે, તો ભારત, વિયેતનામ અને ઈન્ડોનેશિયા જેવા દેશોને ઓર્ડર મળવાની પ્રબળ શક્યતાઓ છે. જોકે, ભારતની ક્ષમતા અને કિંમતની સ્પર્ધાત્મકતા આ પરિસ્થિતિમાં મહત્વની ભૂમિકા ભજવશે. રોકાણકારો હવે બાંગ્લાદેશ સરકારના 'વેજ બોર્ડ'ના નિર્ણય અને ત્યાંની ફેક્ટરીઓ ફરી ક્યારે શરૂ થશે તેના પર બાજ નજર રાખી રહ્યા છે.
