ભારતીય પેસિવ ઇન્વેસ્ટિંગમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્ષ **2021** માં **89.2%** માર્કેટ શેર ધરાવતા ETFs ઘટીને માર્ચ **2026** સુધીમાં **65.1%** પર આવી ગયા છે, જ્યારે Index Funds નું એસેટ બેઝ **₹3.07 લાખ કરોડ** સુધી પહોંચી ગયું છે.
ભારતીય રિટેલ રોકાણકારોના રોકાણના અભિગમમાં મોટો ફેરફાર આવ્યો છે. લાંબા સમય સુધી ઓછા ખર્ચના કારણે ETFs રોકાણકારોની પ્રથમ પસંદગી હતા, પરંતુ લેટેસ્ટ ડેટા કંઈક અલગ જ વાર્તા કહે છે. માર્ચ 2021 માં 89.2% માર્કેટ શેર ધરાવતા ETFs હવે ઘટીને 65.1% પર આવી ગયા છે. તેની સામે Index Funds એ 74.1% ના કમ્પાઉન્ડ ગ્રોથ સાથે ₹3.07 લાખ કરોડ ની સંપત્તિ એકત્રિત કરી છે.
સુવિધા કે ઓછો ખર્ચ?
આ બદલાવ પાછળનું મુખ્ય કારણ ખરીદ-વેચાણની પદ્ધતિ છે. ETFs શેરની જેમ ટ્રેડ થાય છે, જેના માટે ડિમેટ એકાઉન્ટ, બ્રોકરેજ ફી અને લિક્વિડિટીની માથાકૂટ રહે છે. તેનાથી વિપરિત, Index Funds મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે. રોકાણકારો તેમાં સરળતાથી SIP સેટ કરી શકે છે અને માર્કેટના વધઘટ પર સતત નજર રાખવાની જરૂર રહેતી નથી. રોકાણકારો થોડો વધારે એક્સપેન્સ રેશિયો ચૂકવવા તૈયાર છે, પરંતુ તેમને પ્રોસેસની સરળતા વધુ મહત્વની લાગે છે.
ડિસ્ટ્રીબ્યુટર્સની ભૂમિકા
આ ટ્રેન્ડમાં ફાઈનાન્સિયલ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ મોટી ભૂમિકા ભજવે છે. ETFs કરતા Index Funds માં કમિશન સ્ટ્રક્ચર વધુ આકર્ષક હોવાથી ડિસ્ટ્રીબ્યુટર્સ રોકાણકારોને Index Funds તરફ વાળવા માટે વધુ પ્રેરાય છે. હાલમાં 78% જેટલું નાનું SIP રોકાણ આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા જ આવે છે.
રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું?
Index Funds રોકાણને સરળ બનાવે છે, પરંતુ તેનો ખર્ચ ETFs કરતા વધારે હોય છે, જે લાંબા ગાળે રિટર્ન પર થોડી અસર કરી શકે છે. ઉપરાંત, ETFs માં તમને લાઈવ પ્રાઇસ મળે છે, જ્યારે Index Funds માં દિવસના અંતે NAV પર રોકાણ થાય છે. માર્ચ 2026 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીનું કુલ કદ ₹73.73 લાખ કરોડ છે, ત્યારે આગામી સમયમાં કોસ્ટ ગેપ ઘટે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
