રોકાણકારો માને છે કે વધુ મ્યુચ્યુઅલ ફંડ હોવા એટલે વધુ સુરક્ષા, પરંતુ લેટેસ્ટ ડેટા મુજબ ફંડ્સમાં રહેલા ઓવરલેપને કારણે તમારી ડાયવર્સિફિકેશન વ્યૂહરચના નિષ્ફળ જઈ શકે છે.
ઘણા રોકાણકારો એવું માને છે કે તેમની પાસે જેટલી વધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હશે, તેટલું તેમનું રોકાણ વધારે સુરક્ષિત રહેશે. જોકે, DSP Mutual Fund ના સપ્ટેમ્બર 2026 ના 'Netra' રિપોર્ટમાં આ માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. વાસ્તવમાં, તમારા પોર્ટફોલિયોમાં રહેલા ફંડ્સના હોલ્ડિંગ્સમાં એકબીજા સાથે ખૂબ જ સમાનતા હોય છે, જે અસલી ડાયવર્સિફિકેશનને ખતમ કરે છે.
ફંડ્સમાં રહેલી સમાનતાની વાસ્તવિકતા
રિપોર્ટ મુજબ, ફ્લેક્સી-કેપ ફંડ્સ, જેમને કોઈપણ માર્કેટ કેપમાં રોકાણ કરવાની આઝાદી હોય છે, તે ઘણીવાર બ્લુ-ચિપ સ્ટોક્સમાં જ રોકાણ કરે છે જે અન્ય કેટેગરીના ફંડ્સમાં પણ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે ફ્લેક્સી-કેપ ફંડને Balanced Advantage Fund (BAF) સાથે જોડો છો, તો તેમાં 75.3% કોમન ઇક્વિટી એક્સપોઝર જોવા મળે છે. તેવી જ રીતે, ફ્લેક્સી-કેપ અને લાર્જ-એન્ડ-મિડ-કેપ વચ્ચે 71.5% અને લાર્જ-કેપ સાથે 63.8% જેટલું ઓવરલેપ જોવા મળે છે.
આનો સાદો અર્થ એ છે કે, ઘણા કિસ્સાઓમાં તમારો માત્ર 25% થી 36% હિસ્સો જ ખરેખર અલગ છે. વધુ પડતું ડુપ્લીકેશન રોકાણના જોખમને ઘટાડવાને બદલે એક જગ્યાએ કેન્દ્રિત (Concentrate) કરી દે છે.
ફ્લેક્સી-કેપ કેમ ઓવરલેપનું કારણ બને છે?
ફ્લેક્સી-કેપ ફંડ મેનેજરો હંમેશા શ્રેષ્ઠ સ્ટોક્સ શોધવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે તેઓ ઘણીવાર તે જ બ્લુ-ચિપ સ્ટોક્સમાં રોકાણ કરે છે જે પહેલાથી જ લાર્જ-કેપ કે હાઈબ્રિડ ફંડ્સ પાસે હોય છે. આ વ્યૂહરચનાના કારણે રોકાણકારોને અજાણતા જ વધુ પડતું રિસ્ક લેવું પડે છે. સાથે જ, તમે એક જ જેવી વ્યૂહરચના માટે અલગ-અલગ ફંડ્સમાં Expense Ratio ચૂકવી રહ્યા હોવ છો, જે લાંબા ગાળે તમારા નેટ પ્રોફિટને ઘટાડે છે.
પોર્ટફોલિયોને કેવી રીતે મેનેજ કરવો?
સાચું ડાયવર્સિફિકેશન સ્કીમની સંખ્યા પર નહીં, પણ તેમાં રહેલા એસેટ્સ પર નિર્ભર કરે છે. SEBI ના નિયમ મુજબ મ્યુચ્યુઅલ ફંડ્સ દર મહિને તેમના પોર્ટફોલિયોનું ડિસ્ક્લોઝર આપે છે, જેનો ઉપયોગ કરીને તમે ઓવરલેપ ચેક કરી શકો છો. નવું ફંડ ખરીદતા પહેલા એ જુઓ કે તે તમારી પાસે રહેલા ફંડ્સ કરતા અલગ સેક્ટર કે રોકાણ શૈલી ધરાવે છે કે નહીં. જો ફંડ માત્ર તમારા જૂના હોલ્ડિંગ્સનું પુનરાવર્તન કરતું હોય, તો તે ખરીદવાનો કોઈ ખાસ અર્થ નથી.
