સુપ્રીમ કોર્ટે કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) ના હોદ્દેદારોને કન્ટેમ્પટ નોટિસ ફટકારી છે. આ મામલો CJI સૂર્યકાંત પર સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સાથે જોડાયેલો છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) ના તમામ હોદ્દેદારોને સત્તાવાર કન્ટેમ્પટ નોટિસ પાઠવી છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચે એડવોકેટ વિનીત જિંદલની અરજીના આધારે આ કાર્યવાહી શરૂ કરી છે, જેમાં પાર્ટીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકવામાં આવેલી વાંધાજનક પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
12 ઓક્ટોબર 2026 ના રોજ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા કોઈ રાજકીય અનુકૂળતાનો વિષય નથી.
નિષ્ણાતોની નિમણૂક
આ કેસની ગંભીરતાને જોતા, કોર્ટે વરિષ્ઠ વકીલ અરવિંદ દાતર અને સિદ્ધાર્થ અગ્રવાલને Amici Curiae તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આ કેસમાં તપાસ કરશે કે આ કિસ્સો સિવિલ કન્ટેમ્પટ છે કે ક્રિમિનલ કન્ટેમ્પટ. આ ઉપરાંત એટર્ની જનરલ આર. વેંકટરામાણીની મદદ પણ લેવામાં આવી છે.
બચાવમાં શું કહ્યું કોંગ્રેસે?
કેરળ કોંગ્રેસના વકીલોએ દલીલ કરી હતી કે આ પોસ્ટ નેતૃત્વની મંજૂરી વગર મૂકવામાં આવી હતી અને વિવાદ વધતા તેને ડિલીટ કરી દેવામાં આવી છે. પાર્ટીએ કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે માફીની નિષ્ઠા અને પોસ્ટ મૂકવા પાછળના સંજોગોની સંપૂર્ણ તપાસ કરશે.
