સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો **24 કલાકનો** સમય તેની અટકાયતના પ્રથમ ક્ષણથી જ શરૂ થઈ જશે.
ભારતીય સુપ્રીમ કોર્ટે બંધારણીય અધિકારોને વધુ મજબૂત કરતા એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ ઉજ્જવલ ભુયાન અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે, બંધારણની કલમ 22(2) હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાના 24 કલાક જે ક્ષણે વ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ મુકાય ત્યારથી જ ગણવા જોઈએ.
'બફર પીરિયડ'નો ખેલ હવે બંધ
ઘણી તપાસ એજન્સીઓ અત્યાર સુધી ધરપકડના સત્તાવાર ડોક્યુમેન્ટેશનમાં વિલંબ કરીને વ્યક્તિને 'અનૌપચારિક કસ્ટડી'માં રાખતી હતી. કોર્ટે આ પ્રથાને 'કૃત્રિમ' અને ગેરબંધારણીય ગણાવી છે. હવે માત્ર અટકાયતના સ્થળથી કોર્ટ સુધી પહોંચવા માટેનો મુસાફરીનો સમય જ આ 24 કલાકની મર્યાદામાંથી બાકાત રાખી શકાશે.
શું હતો મામલો?
આ ચુકાદો 'સુજીત દાસ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' કેસના આધારે આવ્યો છે, જે NDPS એક્ટ સાથે જોડાયેલો હતો. 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ અટકાયત કરવા છતાં બીજા દિવસે ધરપકડ નોંધાવવામાં આવી હતી, જેને કોર્ટે પ્રક્રિયાગત ક્ષતિ ગણાવી છે.
તપાસ એજન્સીઓ માટે કડક સૂચના
હવે મેજિસ્ટ્રેટને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ આરોપીને રજૂ કરવામાં આવે ત્યારે તેની પ્રથમ અટકાયતનો ચોક્કસ સમય નોંધે. આ આદેશ દ્વારા કોર્ટે સાબિત કર્યું છે કે તપાસ દરમિયાન માનવ અધિકારોનું પાલન પ્રાથમિકતા છે અને એજન્સીઓએ પોતાની પારદર્શિતા સાબિત કરવાની રહેશે.
