Income Tax Appellate Tribunal (ITAT) મુંબઈએ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે, જેના મુજબ જો પત્નીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલા બિઝનેસ ખર્ચ સાચા હોય અને તેની ભરપાઈ (reimbursement) કરવામાં આવી હોય, તો તે ટેક્સ-ડિડક્ટિબલ ગણાશે.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક કરદાતાના વિદેશ પ્રવાસના ₹6.42 લાખ ના ખર્ચને ટેક્સ ડિપાર્ટમેન્ટે નકારી કાઢ્યો હતો. વિભાગનું માનવું હતું કે પત્નીના કાર્ડનો ઉપયોગ કરવો એ નિયમ વિરુદ્ધ છે અને આ રકમને પ્રોફેશનલ સર્વિસ તરીકે ગણીને તેના પર TDS કાપવાની માંગ કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે આ દલીલ ફગાવી દીધી છે.
ટ્રિબ્યુનલનું સ્પષ્ટ વલણ
ITAT એ સ્પષ્ટ કર્યું છે કે જો ખર્ચ વાસ્તવિક બિઝનેસ કામ માટે હોય—જેમ કે રશિયા કે તુર્કીમાં યોજાયેલા ટ્રેડ એક્સપો—તો તે ટેક્સ-ડિડક્ટિબલ છે. મહત્વની વાત એ છે કે ખર્ચ કયા કાર્ડથી થયો છે તેના કરતા તે ખર્ચ 'શું' છે, તે વધુ મહત્વનું છે. અહીં પત્નીએ કોઈ પ્રોફેશનલ સર્વિસ નહોતી આપી, માત્ર કંપનીના ખર્ચની ચૂકવણી કરી હતી જેની પાછળથી ભરપાઈ થઈ ગઈ હતી.
કરદાતાઓ માટે સાવચેતીની સલાહ
ભલે આ નિર્ણય બિઝનેસમેન માટે રાહતરૂપ છે, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે:
- ડિજિટલ ટ્રેકિંગ: આવકવેરા વિભાગ હવે AIS (Annual Information Statement) અને TIS (Taxpayer Information Summary) દ્વારા દરેક હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે.
- પુરાવાઓ સાચવો: તમામ ઇનવોઇસ, ટ્રાવેલ ટિકિટ અને બેંક સ્ટેટમેન્ટ્સ સાચવી રાખો, જેથી તે સાબિત કરી શકાય કે ખર્ચ બિઝનેસ માટે જ હતો.
- ક્લિયર રેકોર્ડ: બિઝનેસ એકાઉન્ટમાંથી પત્નીના એકાઉન્ટમાં થયેલી ભરપાઈનો રેકોર્ડ રાખવો અનિવાર્ય છે, જેથી તેને કોઈ અંગત ગિફ્ટ કે અન્ય રકમ તરીકે ન ગણવામાં આવે.
