Income Tax Appellate Tribunal (ITAT) ચંદીગઢે હરિયાણાના એક ટેક્સપેયરને **₹11.22 કરોડ**ના ટેક્સ વિવાદમાં મોટી રાહત આપી છે. કોર્ટે ટેક્સપેયરને પુરાવા રજૂ કરવાની બીજી તક આપી છે, પરંતુ તેની સામે **500** વૃક્ષો વાવવાની અનોખી શરત મૂકી છે.
કેસની વિગત શું છે?
આ આખો મામલો વર્ષ 2017-18ના એસેસમેન્ટ યરનો છે. ટેક્સપેયરે પોતાની આવક માત્ર ₹1,79,160 દર્શાવી હતી. જોકે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સેક્શન 143(3) હેઠળ સ્ક્રુટિની કરતા આવક વધીને ₹11,23,87,670 પર પહોંચી ગઈ હતી. જેના કારણે ટેક્સની મોટી લાયબિલિટી ઉભી થઈ હતી.
વિવાદનું મુખ્ય કારણ
ટેક્સ વિભાગે નોટિસ મોકલી હતી કારણ કે ટેક્સપેયર ઘણી એન્ટ્રીઓ સાબિત કરી શક્યા નહોતા. જેમાં મુખ્યત્વે:
- નોટબંધી દરમિયાન જમા થયેલી ₹85.93 લાખની રોકડ રકમ.
- ₹9.26 કરોડના અનસિક્યોર્ડ લોન (Unsecured Loans).
- ₹1.07 કરોડના સન્ડ્રી ક્રેડિટર્સ.
Income Tax Act ની કલમ 68 મુજબ, જો કોઈ આવકનો સ્ત્રોત ન સમજાવી શકાય તો તેને 'અનએક્સપ્લેન્ડ ઇન્કમ' ગણીને તેના પર ભારે ટેક્સ અને પેનલ્ટી વસૂલવામાં આવે છે.
વૃક્ષારોપણની શરત
ITAT એ કેસને ફરીથી એસેસિંગ ઓફિસર (AO) પાસે મોકલી દીધો છે, જેથી ટેક્સપેયર દસ્તાવેજો રજૂ કરી શકે. આ રાહત મેળવવા માટે ટેક્સપેયરે પોતે જ પ્રસ્તાવ મૂક્યો હતો કે તેઓ પાનીપતના યમુના બેંક વિસ્તારમાં 500 વૃક્ષો વાવશે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું છે કે જો એક મહિનાની અંદર આ કામ પૂર્ણ નહીં થાય, તો ₹11.22 કરોડનો ટેક્સ ભરવાનો આદેશ ફાઈનલ ગણાશે.
આ કેસ તમામ બિઝનેસમેન અને ટેક્સપેયર્સ માટે એક લાલબત્તી સમાન છે. હંમેશા તમારા ટ્રાન્ઝેક્શન અને લોન માટે યોગ્ય કાગળ તૈયાર રાખો, નહીંતર મુશ્કેલી વધી શકે છે.
