દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ મહિલા ગેંગ રેપમાં ફેસિલિટેટર (Facilitator) તરીકે ભૂમિકા ભજવે, તો તેની સામે ગેંગ રેપનો કેસ દાખલ થઈ શકે છે, ભલે તે શારીરિક રીતે સંડોવાયેલી ન હોય.
શારીરિક સંડોવણી અનિવાર્ય નથી
જસ્ટિસ અનુપ જયરામ ભંભાનીએ એક મહિલાની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે, કાયદાની નજરમાં ગુનાહિત ઈરાદો અને સામૂહિક ભાગીદારી મહત્વની છે. આ ચૂકાદા સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે ગેંગ રેપના કેસમાં દોષિત સાબિત થવા માટે માત્ર શારીરિક કૃત્ય જ જરૂરી નથી, પરંતુ જેઓ આ કૃત્યમાં મદદગાર (Facilitator) તરીકે જોડાયેલા છે, તેમને પણ સમાન કાયદાકીય કલમો હેઠળ જવાબદાર ઠેરવી શકાય છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસ જુલાઈ 2024 માં ભલસ્વા ડેરી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આક્ષેપ છે કે એક મહિલાએ પોતાની સગીર પુત્રીને વારંવાર ડરાવી-ધમકાવીને એક પુરુષ સાથે સંબંધ બાંધવા મજબૂર કરી હતી. ડિસેમ્બર 2023 થી જુલાઈ 2024 સુધી આ પ્રક્રિયા ચાલી હતી. મહિલાએ એવી દલીલ કરી હતી કે રેપની વ્યાખ્યામાં પુરુષ આરોપીઓનો ઉલ્લેખ હોય છે, તેથી તે ગેંગ રેપ માટે જવાબદાર ન ગણાય, જેને કોર્ટે નકારી કાઢ્યો છે.
કાયદાકીય મહત્વ
કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376D અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 70 નું અર્થઘટન કર્યું છે. એમિકસ ક્યુરી એડવોકેટ રોહન જે. આલ્વાએ દલીલ કરી હતી કે ગુનાહિત જૂથના ભાગરૂપે જ્યારે કોઈ વ્યક્તિ જોડાયેલી હોય, ત્યારે જાતિ (Gender) ને કારણે તેને છૂટ ન મળવી જોઈએ. 17 જાન્યુઆરી, 2025 ના ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટે માન્ય રાખતા આ આદેશ આપ્યો છે.
