RBI ના 'અપર લેયર' NBFC નિયમો અંતર્ગત Tata Sons સામે લિસ્ટિંગનું સંકટ ઊભું થયું છે. કંપનીના આંતરિક સ્તરે IPO લાવવો કે નહીં તે અંગે ખેંચતાણ ચાલી રહી છે, જેનાથી ગ્રુપના ગવર્નન્સ અને કંટ્રોલ પર મોટી અસર પડી શકે છે.
RBI એ Tata Sons ને 'અપર લેયર' નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) તરીકે વર્ગીકૃત કરી છે. આ ક્લાસિફિકેશનનો સીધો અર્થ એ છે કે સિસ્ટમની દ્રષ્ટિએ મહત્વની ગણાતી આ કંપનીએ નિયત સમયમર્યાદામાં શેરબજારમાં લિસ્ટ થવું પડે તેમ છે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય મોટી નાણાકીય સંસ્થાઓમાં પારદર્શિતા અને શાસન ધોરણોમાં સુધારો લાવવાનો છે.
ઓનરશિપ સ્ટ્રક્ચર સામે પડકાર
ટાટા ગ્રુપ માટે આ માત્ર લિસ્ટિંગનો મામલો નથી, પણ નિયંત્રણનો મુદ્દો છે. Tata Sons માં 66% હિસ્સો Tata Trusts પાસે છે. જો કંપની પબ્લિક લિસ્ટિંગમાં જાય, તો પબ્લિક શેરહોલ્ડર્સનો પ્રવેશ થશે, જે લાંબા ગાળાની વ્યૂહરચના અને નિર્ણયો લેવાની પ્રક્રિયામાં બદલાવ લાવી શકે છે. વર્ષોથી જે એકહથ્થુ નિયંત્રણ ટ્રસ્ટ પાસે રહ્યું છે, તેમાં ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે.
આંતરિક મતભેદની સ્થિતિ
મીડિયા અહેવાલો મુજબ, બોર્ડમાં બે વિચારધારાઓ જોવા મળી રહી છે. એક તરફ એવા નેતાઓ છે જે RBI ના નિયમોનું પાલન કરીને ગવર્નન્સને આધુનિક બનાવવા ઈચ્છે છે, જ્યારે બીજી તરફ એવી માન્યતા છે કે કંપનીનું 'પ્રાઈવેટ સ્ટેટસ' જાળવી રાખવું જોઈએ જેથી ટ્રસ્ટનો પ્રભાવ જળવાઈ રહે.
રોકાણકારો પર શું થશે અસર?
Tata Sons એ TCS, Tata Motors અને Tata Steel જેવી દિગ્ગજ કંપનીઓની પેરેન્ટ કંપની છે. જો હોલ્ડિંગ કંપનીના સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય, તો મૂડી ફાળવણી (Capital Allocation) અને ડિવિડન્ડ પોલિસી પર લાંબા ગાળે મોટી અસર પડી શકે છે. હાલમાં આખું માર્કેટ ટાટા ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવે તેની રાહ જોઈ રહ્યું છે.
