વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ ક્લેમ સેટલમેન્ટ રેશિયોની ગણતરી કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે કંપનીઓએ ક્લેમની સંખ્યાના બદલે રકમના આધારે રિપોર્ટિંગ કરવું પડશે, જેથી રોકાણકારોને કંપનીઓની પારદર્શિતાનો સચોટ ખ્યાલ આવે.
વીમા ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે IRDAI એક મજબૂત કદમ ઉઠાવી રહ્યું છે. અત્યાર સુધી વીમા કંપનીઓ ક્લેમ સેટલમેન્ટ રેશિયો માટે માત્ર ક્લેમની સંખ્યાને ધ્યાનમાં લેતી હતી, પરંતુ હવે નિયમનકાર આ પદ્ધતિમાં ફેરફાર કરી રહ્યો છે.
ક્લેમની સંખ્યા વિરુદ્ધ નાણાકીય મૂલ્ય
હાલની સિસ્ટમમાં, ઘણી વીમા કંપનીઓ ઘણી બધી નાની રકમના ક્લેમ સેટલ કરીને પોતાનો સેટલમેન્ટ રેશિયો ઊંચો દર્શાવે છે, જ્યારે મોટી રકમના ક્લેમમાં વિલંબ કે રિજેક્શન થતું હોય છે. આ નવી સિસ્ટમમાં, કંપનીઓએ ક્લેમની કુલ રકમના આધારે સેટલમેન્ટ રેશિયો જણાવવો પડશે. આનાથી કંપનીની વાસ્તવિક નાણાકીય ક્ષમતા અને ગ્રાહકો પ્રત્યેની તેમની જવાબદારી સ્પષ્ટ થશે.
ફરિયાદ નિવારણ (Grievance) માં કડકાઈ
IRDAI નું ધ્યાન હવે ગ્રાહકોની ફરિયાદો પર પણ છે. ઘણી કંપનીઓ ગંભીર ફરિયાદોને 'રૂટિન સર્વિસ રિક્વેસ્ટ' તરીકે ગણાવીને ડેટા છુપાવતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. નવા આદેશો મુજબ, ફરિયાદો અને વિવાદોના નિવારણ માટે હવે સ્ટાન્ડર્ડ ડેફિનેશન નક્કી કરવામાં આવશે, જેથી કંપનીઓની કામગીરીમાં કોઈ છટકબારી ન રહે.
રોકાણકારો માટે શું છે મહત્વ?
ભારતીય શેરબજારમાં લિસ્ટેડ વીમા કંપનીઓ માટે આ ફેરફાર ખૂબ મહત્વનો છે. જે કંપનીઓ અત્યાર સુધી માત્ર સંખ્યાના આંકડાઓ બતાવીને માર્કેટિંગ કરતી હતી, તેમના પર હવે સખત દેખરેખ રહેશે. રોકાણકારો માટે હવે અલગ-અલગ વીમા કંપનીઓની કામગીરીની તુલના કરવી વધુ સરળ બનશે, કારણ કે ડેટામાં વધુ પારદર્શિતા આવશે.
