Policybazaar ના ડેટા મુજબ, હવે આશરે **13%** લોકો વાર્ષિક પ્રીમિયમને બદલે માસિક અથવા ત્રિમાસિક EMI વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ ફેરફારથી ગ્રાહકોને કેશ-ફ્લો મેનેજ કરવામાં સરળતા રહે છે, જોકે વીમા કંપનીઓ માટે તે પેમેન્ટ ટ્રેકિંગના નવા પડકારો પણ લઈને આવ્યું છે.
ભારતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પેમેન્ટના મોડલમાં મોટો બદલાવ આવી રહ્યો છે. પોલિસીબજારના તાજેતરના રિપોર્ટ મુજબ, ગ્રાહકો હવે વર્ષમાં એકવાર મોટી રકમ ચૂકવવાને બદલે નાની અને સરળ હપ્તા પદ્ધતિ (EMI) અપનાવી રહ્યા છે.
રોકાણકારો અને ગ્રાહકો માટે ફાયદો
આ મોડેલનો સૌથી મોટો ફાયદો 'પોલિસી પર્સિસ્ટન્સી' (Policy Persistency) માં સુધારો થવાની શક્યતા છે. જ્યારે ગ્રાહક નાની રકમ ચૂકવે છે, ત્યારે વાર્ષિક રિન્યુઅલ સમયે આવતા મોટા બિલનો આંચકો તેને લાગતો નથી. પરિણામે, પોલિસી લેપ્સ થવાનું જોખમ ઘટે છે અને વીમા કંપનીઓ માટે લાંબા ગાળાની આવક સ્થિર રહે છે.
સામે છે આ પડકારો
જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. જો ગ્રાહક સમયસર EMI ચૂકવવામાં નિષ્ફળ જાય, તો પોલિસી લેપ્સ થવાનું જોખમ રહે છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ માટે હવે પેમેન્ટ ટ્રેકિંગ સિસ્ટમ વધુ મજબૂત બનાવવી અનિવાર્ય બની છે, જેથી 15 દિવસના ગ્રેસ પીરિયડમાં કોઈ ચૂકવણી બાકી રહી ન જાય.
પ્રીમિયમ હાઈક સામે સુરક્ષા
ઘણીવાર મલ્ટી-યર પ્લાન્સ સાથે મળતા આ EMI વિકલ્પો ગ્રાહકોને વાર્ષિક 10% સુધીના પ્રીમિયમ વધારા સામે પણ સુરક્ષા આપે છે. લાંબા ગાળે, આ ફેરફાર દેશમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પેનિટ્રેશન વધારવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
