Raman Research Institute ના વૈજ્ઞાનિકોએ માઈક્રોજેલ્સના પ્રવાહને નિયંત્રિત કરવા માટે થર્મલ શોકની નવી ટેકનિક શોધી કાઢી છે, જે ભવિષ્યમાં કેન્સર જેવી બીમારીઓની સારવારમાં દવાઓની સાઈડ ઈફેક્ટ ઘટાડવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
નવી ટેકનિક કેવી રીતે કામ કરે છે?
ભારતના Raman Research Institute (RRI) ના સંશોધકો સોનાલી કાવલે અને પ્રોફેસર રંજની બંદ્યોપાધ્યાયની આગેવાની હેઠળ એક મહત્વનું સંશોધન કર્યું છે. તેમણે સાબિત કર્યું છે કે જ્યારે જામ થયેલા 'માઈક્રોજેલ' સિસ્ટમ પર અચાનક તાપમાનનો ફેરફાર અથવા 'થર્મલ શોક' આપવામાં આવે છે, ત્યારે તે પ્રવાહીની જેમ વહેવા લાગે છે. આ પ્રક્રિયા દ્વારા વૈજ્ઞાનિકો આ પદાર્થોની સ્ટ્રક્ચરલ મેમરી ભૂંસી શકે છે, જે પહેલા અત્યંત કઠણ અને અનિયંત્રિત હતા.
ફાર્મા સેક્ટરમાં શું બદલાવ આવશે?
માઈક્રોજેલ્સ ખૂબ જ નાના કણો છે જે મોટી માત્રામાં પાણી શોષી શકે છે. જ્યારે આ કણો એકસાથે પેક થાય છે, ત્યારે તે કાચ જેવા નક્કર પદાર્થમાં ફેરવાઈ જાય છે. RRI ની ટીમે શોધી કાઢ્યું કે થર્મલ શોક એક 'ટ્રિગર' તરીકે કામ કરે છે, જે આ પેક થયેલા કણોને ફરીથી હલનચલન કરતા કરે છે. જો આ પદ્ધતિનો અમલ થાય, તો એવી દવાઓ બનાવી શકાશે જે શરીરના ચોક્કસ તાપમાન (જેમ કે ટ્યુમરની આસપાસનું વાતાવરણ) પર જ દવા રિલીઝ કરશે. આ સંશોધનમાં 34 ડિગ્રી સેલ્સિયસ ના તાપમાનના માર્કને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
રોકાણકારો અને સાવચેતી
નોંધવું રહ્યું કે આ એક પાયાનું વૈજ્ઞાનિક સંશોધન છે. Raman Research Institute એ Department of Science and Technology દ્વારા સંચાલિત એક નોન-પ્રોફિટ સંસ્થા છે અને તે શેરબજારમાં લિસ્ટેડ નથી. હાલમાં આ ટેકનોલોજી પ્રારંભિક તબક્કે છે અને હજુ તેના ક્લિનિકલ ટ્રાયલ્સ, બાયો-કોમ્પેબિલિટી અને રેગ્યુલેટરી મંજૂરીઓ મળવી બાકી છે.
