યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ Article 6.4 કાર્બન ક્રેડિટ્સ સામે મોટો વિવાદ ઊભો થયો છે. ૧૩૦થી વધુ સિવિલ સોસાયટી ગ્રુપ્સે મ્યાનમારના એક કુકસ્ટોવ પ્રોજેક્ટ (PoA 10471)માં ગેરરીતિ અને સૈન્ય સાથેના કથિત આર્થિક જોડાણને કારણે તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
કાર્બન માર્કેટની વિશ્વસનીયતા સામે સવાલ
યુનાઈટેડ નેશન્સનું ગ્લોબલ કાર્બન માર્કેટ અત્યારે એક કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ફેબ્રુઆરી 2026 માં જ્યારે પેરિસ એગ્રીમેન્ટના Article 6.4 મિકેનિઝમ હેઠળ પ્રથમવાર મ્યાનમારના 'PoA 10471' પ્રોજેક્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યું, ત્યારે તેને મોટી સિદ્ધિ માનવામાં આવી હતી. પરંતુ હવે ૧૩૦થી વધુ સિવિલ સોસાયટી સંગઠનોએ આ આખી સિસ્ટમ પર જ સવાલ ઉઠાવ્યા છે.
પ્રોજેક્ટમાં ખામી અને ઓવર-ક્રેડિટિંગના આરોપ
ટીકાકારોનો મુખ્ય આક્ષેપ છે કે પ્રોજેક્ટનું વેલિડેશન ખૂબ જ નબળું હતું. રિપોર્ટ્સ મુજબ, વાસ્તવિક ઉત્સર્જનમાં ઘટાડો થયો છે તેના કરતા ઘણી વધારે ક્રેડિટ્સ આપવામાં આવી છે. આ 'ઓવર-ક્રેડિટિંગ' કાર્બન માર્કેટના મૂળભૂત હેતુને જ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે દરેક ક્રેડિટ એક સાચી અને ચકાસણીપાત્ર ઘટાડાની ગેરંટી હોવી જોઈએ.
સૈન્ય સાથેના જોડાણનો ડર
મ્યાનમારમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે, પ્રોજેક્ટનું મોનિટરિંગ રિમોટલી કરવામાં આવ્યું હતું. માત્ર મર્યાદિત ઓનલાઇન ઇન્ટરવ્યુના આધારે થયેલું વેરિફિકેશન અત્યારે તપાસના દાયરામાં છે. સૌથી મોટો ડર એ છે કે કાર્બન ક્રેડિટમાંથી મળતી આવક ક્યાંક પરોક્ષ રીતે મિલિટરી શાસનને મદદ તો નથી કરી રહીને? આ સવાલોએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.
હવે આગળ શું?
આ વિવાદ વચ્ચે જર્મનીના બોન ખાતે ઓક્ટોબર 5 થી 9, 2026 દરમિયાન Article 6.4 સુપરવાઇઝરી બોડીની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક કાર્બન માર્કેટના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે. જો UN આ પ્રોજેક્ટની સ્વતંત્ર તપાસ નહીં કરે, તો ગ્લોબલ કાર્બન ટ્રેડિંગમાં સહભાગીઓનો વિશ્વાસ ડગમગી શકે છે.
