ભારત તેની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે ઘરેલું કોલસાના ઉત્પાદનમાં સતત વધારો કરી રહ્યું છે. આ વ્યૂહરચનાથી દેશ વૈશ્વિક સ્તરે વધી રહેલા ગેસના ભાવ અને મોંઘવારીની અસરોથી બચી રહ્યો છે.
ભારત હવે વૈશ્વિક ઉર્જા બજારની અસ્થિરતા સામે રક્ષણ મેળવવા માટે સંપૂર્ણપણે સ્વદેશી કોલસા પર નિર્ભર બની રહ્યું છે. કોલસા મંત્રાલયના અહેવાલ મુજબ, આ વ્યૂહરચનાએ પશ્ચિમ એશિયામાં ભૌગોલિક તણાવને કારણે સર્જાયેલી સપ્લાય ચેઈનની વિક્ષેપ અને LNG-LPGની અછત સામે દેશને સુરક્ષિત રાખ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 માં ઘરેલું ઉત્પાદન 1,041 મિલિયન ટન સુધી પહોંચતા, વૈશ્વિક ભાવમાં વધારો હોવા છતાં ભારતમાં વીજ પુરવઠો સ્થિર રહ્યો છે.
આયાતી મોંઘવારી સામે સુરક્ષા
International Energy Agency (IEA) ના મતે, વર્ષ 2027 સુધી વૈશ્વિક ગેસ બજારમાં પુરવઠાની ખેંચ રહેવાની શક્યતા છે. ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં એશિયન સ્પોટ LNG ના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ 45% નો ઉછાળો આવ્યો છે અને તે USD 17.5 પ્રતિ MBtu પર સ્થિર છે. આવી સ્થિતિમાં, સ્થાનિક ઉત્પાદિત દરેક ટન કોલસો આયાતી મોંઘવારી સામે એક મજબૂત કવચ તરીકે કામ કરી રહ્યો છે.
ભવિષ્યની માંગ અને પડકારો
NITI Aayog ના અંદાજ મુજબ, ભારતમાં કોલસાની આંતરિક માંગ વર્ષ 2025 માં અંદાજે 1.25 બિલિયન ટન થી વધીને 2050 સુધીમાં 2.6 બિલિયન ટન થી વધુ થઈ શકે છે. હાલમાં દેશની 70% થી વધુ વીજળી કોલસા દ્વારા ઉત્પન્ન થાય છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે મંત્રાલય હવે સસ્ટેનેબલ માઈનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી ખાણકામ સાથે પર્યાવરણીય સંતુલન પણ જળવાઈ રહે.
