યુરેનિયમ આયાત ન્યુક્લિયર ગ્રોથને વેગ આપશે
સરકારી આંકડા મુજબ, 2008-2009 થી 2024-2025 નાણાકીય વર્ષો વચ્ચે ભારતે તેના ન્યુક્લિયર રિએક્ટર માટે કુલ 18,842.60 મેટ્રિક ટન યુરેનિયમની આયાત કરી છે. આ તમામ આયાત આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના નિયમો અને દેખરેખ હેઠળ કરવામાં આવી છે, જે ન્યુક્લિયર મટીરિયલ્સ પર આંતરરાષ્ટ્રીય દેખરેખ સુનિશ્ચિત કરે છે.
ન્યુક્લિયર પાવર જનરેશનમાં મોટો ઉછાળો
આયાત કરેલા યુરેનિયમનો ઉપયોગ કરીને ન્યુક્લિયર પાવર જનરેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. 2009-2010 માં માત્ર 3,704 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થતું હતું, જે 2024-2025 સુધીમાં વધીને અંદાજે 39,180 મિલિયન યુનિટ થવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-2026 ના સમયગાળા માટે જાન્યુઆરી સુધીમાં 33,815 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ ચૂક્યું છે.
100 GW ન્યુક્લિયર ક્ષમતા માટે મહત્વાકાંક્ષી યોજના
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર દેશમાં ન્યુક્લિયર પાવર ક્ષમતાને 100 ગીગા વોટ (GW) સુધી પહોંચાડવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. હાલમાં, દેશની ન્યુક્લિયર પાવર ક્ષમતા 8.78 GW (RAPS-1 સિવાય) છે, જે 2031-32 સુધીમાં પૂર્ણ થનારા પ્રોજેક્ટ્સ દ્વારા વધીને લગભગ 22 GW થવાની અપેક્ષા છે.
ભવિષ્યમાં વિસ્તરણ અને વિકાસ
2032 પછી, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) દ્વારા વધુ 32 GW ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી 2047 સુધીમાં કુલ ક્ષમતા આશરે 54 GW સુધી પહોંચી શકે. આ ઉપરાંત, બાકીની 46 GW ક્ષમતા દેશી Pressurised Heavy Water Reactors (PHWRs) અને વિદેશી ભાગીદારો સાથે વિકસિત Light Water Reactors (LWRs) સહિત વિવિધ બિઝનેસ મોડેલ હેઠળ વિકસાવવામાં આવશે, જેમાં અન્ય જાહેર ક્ષેત્રની કંપનીઓ, રાજ્ય સરકારો અને ખાનગી કંપનીઓ પણ યોગદાન આપશે.