અમેરિકા દ્વારા PERM ફાઈલિંગ પર રોક લગાવવાના નિર્ણયથી ભારતીય IT કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. TCS, Infosys અને Wipro જેવી દિગ્ગજ કંપનીઓ માટે આ નિયમથી ટેલેન્ટ જાળવી રાખવાનો અને રિક્રૂટમેન્ટનો ખર્ચ વધવાની શક્યતા છે.
અમેરિકાની વહીવટી તંત્ર દ્વારા PERM (Permanent Labor Certification) ફાઈલિંગ પર લગાવાયેલી રોકથી વિદેશી ટેક પ્રોફેશનલ્સ માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં અવરોધ આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર Tata Consultancy Services (TCS), Infosys, Wipro, HCL Technologies અને Cognizant જેવી મોટી ભારતીય IT કંપનીઓ પર પડી શકે છે.
રોકાણકારો માટે શા માટે આ ચિંતાજનક છે?
IT કંપનીઓનો મોટો આધાર H-1B વિઝા પર કામ કરતા કુશળ કર્મચારીઓ છે. PERM ફાઈલિંગ અટકી જવાથી આ કર્મચારીઓમાં ભવિષ્યને લઈને અનિશ્ચિતતા પેદા થાય છે. પરિણામે, કંપનીઓમાં એટ્રીશન રેટ (Attrition Rate) વધી શકે છે. જો કુશળ કર્મચારીઓ નોકરી છોડે, તો કંપનીએ નવા રિક્રૂટમેન્ટ, ઓનબોર્ડિંગ અને ટ્રેનિંગ પાછળ લાખો ડોલરનો વધારાનો ખર્ચ કરવો પડી શકે છે, જે સીધી રીતે કંપનીના નેટ પ્રોફિટ માર્જિન પર દબાણ લાવશે.
બદલાતા સમીકરણો
આ સ્થિતિમાં ભારતીય IT જાયન્ટ્સને ઓનસાઈટ વર્કફોર્સ જાળવવામાં મુશ્કેલી પડી શકે છે. અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ JD Vance ના તાજેતરના નિવેદનો પણ વિદેશી લેબર પોલિસી બાબતે કડક વલણ દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે આ કંપનીઓ પોતાની હાયરિંગ સ્ટ્રેટેજીમાં બદલાવ લાવીને અમેરિકામાં જ લોકલ ટેલેન્ટને વધુ મહત્વ આપે છે કે કેમ.
નિષ્ણાતોના મતે, રોકાણકારોએ હવે મેનેજમેન્ટની કોમેન્ટરી પર ખાસ નજર રાખવી જોઈએ કે આ નિયમ કંપનીના ઓપરેશનલ ખર્ચ અને ગ્રોથ પર કેટલી અસર કરે છે.
