UNEP ના લેટેસ્ટ રિપોર્ટે દુનિયાને ચોંકાવી દીધી છે. ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો ગ્લોબલ વોર્મિંગ લક્ષ્યાંક હવે પ્રાપ્ત કરવો અશક્ય છે, જેની સીધી અસર આવનારા સમયમાં ઉદ્યોગો અને રોકાણકારો પર પડશે.
યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) એ ચેતવણી આપી છે કે ૧.૫ ડિગ્રી સેલ્સિયસ ગ્લોબલ વોર્મિંગનો ટાર્ગેટ હવે મેળવી શકાય તેમ નથી. તાજેતરના 'Emissions Gap Report' મુજબ, ૨૦૨૫ માં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ૫૮.૪ ગીગાટન CO2 જેટલું રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ માત્ર ૦.૧ ગીગાટનનો ઘટાડો થયો છે, જે કોઈ મોટી સિદ્ધિ નથી પરંતુ જંગલની આગ જેવી કુદરતી ઘટનાઓમાં ઘટાડાનું પરિણામ છે.\n\nરિપોર્ટ અનુસાર, કોલસો, ઓઈલ અને ગેસ જેવા અશ્મિભૂત ઈંધણો હજુ પણ કુલ ઉત્સર્જનના બે-તૃતીયાંશ (૨/૩) ભાગ માટે જવાબદાર છે. ડિકાર્બોનાઈઝેશનની ગતિ ઉર્જાની વધતી માંગ સામે ઘણી ધીમી છે. ખાસ કરીને G20 દેશો (આફ્રિકન યુનિયન સિવાય) વૈશ્વિક ઉત્સર્જનના ૭૬ ટકા હિસ્સો ધરાવે છે અને તેમનું ઉત્સર્જન ૨૦૨૫ માં ૦.૭ ટકા વધ્યું છે.\n\nરોકાણકારો માટે આ સ્થિતિ ગંભીર છે. સિમેન્ટ, સ્ટીલ, થર્મલ પાવર અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં હવે કડક પર્યાવરણીય નિયમો અને નવા ટેક્સ આવવાની પૂરી શક્યતા છે. જે કંપનીઓ ગ્રીન એનર્જી કે એનર્જી એફિશિયન્સીમાં રોકાણ નહીં કરે, તેમના માટે લાંબા ગાળે જોખમ વધશે.\n\nહવે પોલિસી મેકર્સનું ધ્યાન આ ગરમીના સમયગાળાને ઘટાડવા પર છે. રિપોર્ટ મુજબ, તાપમાનને સ્થિર કરવા માટે ૨૦૩૦ સુધીમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ૧૮ ટકા અને ૨૦૩૫ સુધીમાં ૪૫ ટકાનો તીવ્ર ઘટાડો જરૂરી છે. રોકાણકારોએ હવે કાર્બન કેપ્ચર ટેકનોલોજી અને ESG કમ્પ્લાયન્સમાં થઈ રહેલા ફેરફારો પર ખાસ નજર રાખવી પડશે.
