UNCTAD એ ચેતવણી આપી છે કે AI સેક્ટરમાં જોવા મળતી વર્તમાન તેજી વર્ષ 2000 ના 'ડોટ-કોમ બબલ' જેવી જોખમી હોઈ શકે છે. અમેરિકન બજારમાં વધતી કોન્સન્ટ્રેશન અને મોંઘા વેલ્યુએશનને કારણે ભારત જેવા ઉભરતા બજારો માટે કેપિટલ આઉટફ્લોનું સંકટ ઊભું થઈ શકે છે.
માર્કેટમાં સટોડિયા રમતનું જોખમ
યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) ના રિપોર્ટ અનુસાર, હાલની AI-ડ્રિવન તેજીમાં વર્ષ 2000 ના ડોટ-કોમ કટોકટી અને 2008 ની વૈશ્વિક નાણાકીય કટોકટી જેવા સંકેતો દેખાઈ રહ્યા છે. જો કોર્પોરેટ અર્નિંગ્સમાં સ્ટોક પ્રાઈસ જેટલો ઉછાળો નહીં આવે, તો બજારમાં મોટું વોલેટિલિટી જોવા મળી શકે છે.
કેમ ચિંતાનો વિષય છે?
અમેરિકન સ્ટોક્સના વેલ્યુએશન પર નજર કરીએ તો, Cyclically Adjusted Price-to-Earnings (CAPE) રેશિયો હાલમાં 42 ના સ્તરે પહોંચી ગયો છે. આ આંકડો લાંબા ગાળાના સરેરાશ 17 કરતા બમણો છે, જે માત્ર વર્ષ 2000 ના બબલ સમયે જોવા મળ્યો હતો. આ ઉપરાંત, માર્કેટનું એવું જોખમી ચિત્ર છે કે માત્ર 10 મોટી અમેરિકન કંપનીઓ કુલ માર્કેટ કેપિટલાઈઝેશનનો 37% હિસ્સો ધરાવે છે.
સર્ક્યુલર ફંડિંગનું જોખમ
રિપોર્ટમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે ઘણી મોટી ટેક કંપનીઓ AI રિસર્ચ માટે જે નાણાં ખર્ચે છે, તે જ રકમ ક્લાઉડ કમ્પ્યુટિંગ ફી તરીકે રેવન્યુમાં બતાવી રહી છે. જો ભવિષ્યમાં AI સેવાની વાસ્તવિક માંગ નહીં વધે, તો આ ફંડિંગ સાયકલ અટકી શકે છે, જેની સીધી અસર ક્રેડિટ માર્કેટ પર પડશે.
ભારતીય રોકાણકારો માટે શું છે જોખમ?
ભારતનું અર્થતંત્ર વર્ષ 2026 માં 7.3% ના દરે વૃદ્ધિ પામવાની ધારણા હોવા છતાં, તે વૈશ્વિક ઘટનાઓથી અલિપ્ત નથી. જો અમેરિકન બજારમાં સુધારો (Correction) આવે, તો વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી શકે છે. આનાથી રૂપિયા પર દબાણ વધશે અને ભારતીય કંપનીઓ માટે લોન લેવી મોંઘી બની શકે છે. આ ઉપરાંત, વૈશ્વિક ટેક ખર્ચમાં ઘટાડો થવાથી ભારતના લોકલ ડેટા સેન્ટર્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થતા રોકાણને પણ અસર થઈ શકે છે.
